Tuesday 25 October 2016

તમે પાયાના પથ્થર છો, તમે એ જાણતા ન્હોતા?!
દટાવાના જ અંદર છો, તમે એ જાણતા ન્હોતા?! 

હતો ત્યારે હતો પારસમણિ શો સ્પર્શ, પણ અંતે;
થવાના સાવ પડતર છો, તમે એ જાણતા ન્હોતા?!

લ્યો આવ્યો, ઉજવાયો ધૂમથી, પાછળથી વિસરાયો!
તમે એવા જ અવસર છો, તમે એ જાણતા ન્હોતા?!

હશે, પીધા હશે કૈ ઝેર બીજાના ભલા કાજે,
થવા નીકળેલા શંકર છો, તમે એ જાણતા ન્હોતા?!

લઈ નીકળી પડ્યા'તા ત્રાજવું ને તોળવા બેઠાં!
તમે પોતે ક્યાં ઈશ્વર છો? તમે એ જાણતા ન્હોતા?!

નવાં ચાળે ચડ્યા શાને? શબદનો સાથ છોડીને;
તમે એનાથી પગભર છો, તમે એ જાણતા ન્હોતા?!

: હિમલ પંડ્યા 
૨૨-૧૦-૨૦૧૬
રાત-દિવસ પાળીઓ બદલાય છે,
દર્દ આવે છે, ઉદાસી જાય છે;

હાજરી લઈ જાય આવીને પીડા,
આંસુઓનુંં રોજ પણ ચૂકવાય છે;

ઈચ્છાઓ પળવારમાં ફૂટી જતી!
સ્વપ્ન પાછું આંખમાં ધરબાય છે;

જે નથી હોતું, સતત સામું જડે!
હોય છે એ ક્યાં જઈ સંતાય છે?

કેટલો ઊંચે જઈ બેઠો છે એ,
આ બધું એને ય ક્યાં દેખાય છે?

અહીં ગઝલનો માર્ગ લઈ આવ્યો મને;
શબ્દ સાચું તીર્થ છે - સમજાય છે. 

: હિમલ પંડ્યા
લાખ તું કોશિશ કરે પણ હા, એ રાવણ નહિ મરે!
ના, એ રાવણ નહિ મરે! હા, એ રાવણ નહિ મરે!

કૈં યુગોથી ઘર કરી બેઠો છે જે મસ્તિષ્કમાં;
ના, એ રાવણ નહિ મરે! હા, એ રાવણ નહિ મરે!

બાનમાં લઈને ફરે છે આખા યે અસ્તિત્વને;
ના, એ રાવણ નહિ મરે! હા, એ રાવણ નહિ મરે!

ક્રોધ હો કે લોભ, સત્તાનો હો મદ કે વાસના!
ના, એ રાવણ નહિ મરે! હા, એ રાવણ નહિ મરે!

પીડવાની વૃત્તિનો ગુલામ થઈ ચૂક્યો છે જે;
ના, એ રાવણ નહિ મરે! હા, એ રાવણ નહિ મરે!

આંખમાં છે ઝેર, હોઠો પર ટપકતું તો ય મધ!
ના, એ રાવણ નહિ મરે! હા, એ રાવણ નહિ મરે!

છો ને સળગાવો પરંતુ રાખથી બેઠો થશે;
ના, એ રાવણ નહિ મરે! હા, એ રાવણ નહિ મરે!

: હિમલ પંડ્યા
घर से निकला तो हाजी हो चला है,
देख! काफिर नमाजी हो चला है;

वक्त वाकई में बूरा है अपना,
हर गुनहगार काजी हो चला है!

इश्क का मर्ज मुद्दतों से था,
और अब लाईलाजी हो चला है; 

वो मेरे बस में अब नहि होता,
दिल जरा बदमिजाजी हो चला है;

तेरे जाने पे जो खफा़-सा था,
तेरे आने से राजी हो चला है.

: हिमल पंड्या 
જીવન જોવા તણી - જીવવા તણી રીતો અલગ હતી,
જીવી ગ્યા આપણે સાથે છતાં શરતો અલગ હતી;

પડ્યો હર બોલ ઝીલી લઈશ એવું દિલથી કહેવાતું!
હતી ત્યારે હતી, એ ત્યારની વાતો અલગ હતી;

નથી ભેદી શકાતા આવરણ એવાં ય છે વચ્ચે,
તૂટી શકતી હતી પહેલાં, પણ એ ભીંતો અલગ હતી;

અલગ છે ઊંઘ બન્નેની, પીડાઓ-જાગવું એક જ,
લઈને આવતી જે સ્વપ્ન એ રાતો અલગ હતી;

કદી ન્હોતું વિચાર્યું એવો આ અંજામ કાં આવ્યો?
મજાની લાગતી'તી જે એ શરુઆતો અલગ હતી;

: હિમલ પંડ્યા
એવાં અવસર હવે આંગણે ક્યાં હતા?
હું હતો, તું હતી, આપણે ક્યાં હતા?

તો ય પીડાઓ સાગમટે આવી ગઈ,
તોરણો આમ તો બારણે ક્યાં હતા?

એટલે સૌ વ્યથાઓ અજાણી રહી;
આંસુઓ આપણી પાંપણે ક્યાં હતા? 

આજ આવે છે જેઓ અહીં દોડીને,
પૂછ એને ખરે ટાંકણે ક્યાં હતા?

માંડ સૂતો છું, છંછેડશો ના હવે;
જીવતો હું હતો એ ક્ષણે ક્યાં હતા?

: હિમલ પંડ્યા 
છું નજર સામે છતાં ગુમનામ છું, એ છે ખબર?
હું તમે ભૂલી ગયા એ નામ છું, એ છે ખબર?

હું અવિરત છું સફરમાં, ને વળી વિશ્રામ છું;
હું જ અંતે આખરી મુકામ છું, એ છે ખબર?

જીંદગી, તું પણ લીધેલી વાતને મૂકતી નથી;
કેટલો તારે લીધે બદનામ છું, એ છે ખબર?

જીવ! ક્યાં ભટક્યા કરે છે પત્થરોને પૂજતો?!
ભીતરે જુએ તો ચારે ધામ છું, એ છે ખબર?

શ્વાસ મારાં! જે ઘડી થાકો, અહીં બેસી જજો!
હું તમોને જોઈતો આરામ છું, એ છે ખબર? 

: હિમલ પંડ્યા
આ બધી ઈચ્છાના કોઠા કેવી રીતે ભેદવા?
કેમ આ આવી ચૂકેલા સ્વપ્ન પાછા ઠેલવા?

સાંભળ્યું છે એ જ પહેલા ચીર પણ પૂરતો હતો,
રોજ આપે છે નવી પીડા જે મુજને પ્હેરવા;

એક દિ' એને દયા તો આવશે ને આપણી!
ત્યાં સુધી તકદીરના સઘળા સિતમને વેઠવા;

સળવળે છે રોજ થોડું, કોક દિ' બેઠો થશે!
આપણાં સંબંધને લાગુ પડી રહી છે દવા;

આપણું પહેલું મિલન આજે ય ભૂલાયું નથી,
એ વખતના સ્પર્શને ઝંખી રહ્યા છે ટેરવાં!

: હિમલ પંડ્યા
  ૩૦-૯-૨૦૧૬
એમનું છે કામ ક્યારેક રોપવાનું, રુંધવાનું. રોકવાનું!
આપણે હિંમત કરીને બ્હાર થોડું આવવાનું, કોળવાનું!

આમ પણ જો હાથમાં કાંઈ નથી હોતું તો કોને કોસવાનું?
આંખ મીંચીને બધું શ્રધ્ધાથી એને સોંપવાનું, છોડવાનુ્!

માત્ર ધીરજથી, નરી ઈચ્છાથી અે સાકાર થઈ જાવાનું અંતે,
એક સપનાને જતનથી, હેતથી પંપાળવાનું, પોષવાનું!

આવશે, એવો ય દિવસ આવશે રસ્તો નહિ દેખાય સામે,
એમ તો આપણને ક્યાં ફાવે છે હિંમત હારવાનું, થોભવાનું?

એક માણસ બહુ મજાનો આ જગતની ભીડમાં ભૂલો પડ્યો છે.
આપણે બસ આપણામાં ક્યાંક એને ખોળવાનું, ખોજવાનું!

જે વફાદારીથી એણે જીંદગીભર સાથ દીધો છે, ઋણી છું;
શ્વાસ કહેશે કે હવે ટાણું થયું છે ચાલવાનુ્, તો જવાનું!

: હિમલ પંડ્યા
  ૨૭-૯-૨૦૧૬
કૈંક ઈચ્છાઓ અહીં ધરબાઈ ગઈ છે,
જ્યારથી આ જીંદગી પરખાઈ ગઈ છે;

કાયમી રહેવા મળ્યું છે આંખમાંહે;
જો ઉદાસી કેટલી હરખાઈ ગઈ છે!

એક પંખી જેમ તારી યાદ આવી;
ગીત એનું એ ફરીથી ગાઈ ગઈ છે;

ભીતરે તેં ડોકિયું કર્યું જ છે ક્યાં?
તું અમસ્તી બ્હારથી અંજાઈ ગઈ છે!

એટલો ઈશ્વર તણો આભાર માનું,
આકરી હર એક પળ જીરવાઈ ગઈ છે;

આ ગઝલ લખતા જરા જો આવડ્યું તો,
આપણી પીડા બધી સચવાઈ ગઈ છે;

: હિમલ પંડ્યા
  ૨૫-૯-૨૦૧૬

તમે પાક શાના? તું ક્યાંનો શરીફ?
જરા બેસ ને છાનોમાનો શરીફ!

જગત આખું થૂં-થૂં કરે તારા પર,
ક્યાં મોઢું તું સંતાડવાનો શરીફ!

કહ્યું જો બધાએ કે "ફટ છે તને";
તમાચો જડ્યો છે મજાનો શરીફ!

અધમતાની હદને વળોટી તમે;
નથી ડર તમોને ખુદાનો શરીફ?

પુરાવાઓથી પૂંછ સીધી ન થઈ;
વખત આવયો છે સજાનો શરીફ!

મગતરું છે તું સિંહની ત્રાડ સામે;
કરે આટલો રોફ શાનો શરીફ?

નહિ જીવવા દે નિસાસો તને;
એ બચ્ચાંનો, એ વિધવાનો શરીફ!

બગાડી છે દાનત તમે જેના પર,
એ ટુકડો છે આ કાળજાનો શરીફ!

ઘડીભરમાં નક્શાઓ બદલી જશે!
તું ઈતિહાસમાં રહી જવાનો શરીફ!

: હિમલ પંડ્યા
  ૨૧-૯-૨૦૧૬