Monday 7 November 2016

હાથમાં હુકમનું પાનું રાખતા શીખી ગયો!
હું ય લ્યો બ્હાનું મજાનું રાખતા શીખી ગયો!

જીંદગી! તારી મરામત રોજની થઈ છે હવે,
એટલે પક્કડ ને પાનું રાખતા શીખી ગયો!

કાયમી ભીતરની આ ટકટક સહન થાતી નથી;
હું હવે મારાથી છાનું રાખતા શીખી ગયો!

રાખવા'તા એમને દુનિયાથી ઓઝલ એટલે,
આ હૃદયમાં ચોરખાનું રાખતા શીખી ગયો!

આપણું હોવાથી ફળતું હોય ના! એવું બને;
આંખમાં સપનું બીજાનું રાખતા શીખી ગયો!

કેળવી શ્રધ્ધા મેં શબરીની કથા વાંચ્યા પછી,
માત્ર ધીરજ રાખવાનું રાખતા શીખી ગયો!

એમ જલ્દી ઓલવાવું પાલવે ક્યાંથી મને?
ધ્યાન હું જાતે હવાનું રાખતા શીખી ગયો!

: હિમલ પંડ્યા
 ૭-૧૧-૨૦૧૬