Friday 27 January 2017

એમ ચારેકોર ચર્ચાઈ ગયો,
વાંક ન્હોતો પણ વગોવાઈ ગયો!
જીંદગીભરનો કરેલો વાયદો,
એક સપનું થઈને સચવાઈ ગયો!
આપણો કહેવાતો સારો સમય,
ક્યાંક આડે હાથ મૂકાઈ ગયો!
પીઠ પાછળ હાથ જે ફરતો હતો,
એક કપરી પળમાં પરખાઈ ગયો!
એક અવસર જેમ હોવું આપણું;
ધૂમથી ઉજવાયો, વિસરાઈ ગયો!
શ્વાસ નામેરી હવાને સંઘરી,
દેહનો ફુગ્ગો ફૂલાઈ ગયો!
જીંદગી! જીવવું તને ભારે પડ્યું!
હું અમસ્તો સાવ અંજાઈ ગયો;
"પાર્થ" ભીતર વલોવાતો ડૂમો,
શબ્દના હોવાથી સચવાઈ ગયો!

: હિમલ પંડ્યા "પાર્થ"
આપણે સમજી શક્યા ના, શું હતું?
એમના હૈયામાં કંઈ બીજું હતું!

એટલે ના વાર લાગી તૂટતા,
હૃદય શરુઆતથી ઋજુ હતું;

ખેદ એનો છે, મને ના આવડ્યું!
બેવફાઈનું ગણિત સીધું હતું;

'
તું કશું યે સાચવી શક્તો નથી';
યાદ આવ્યું, એમણે કીધું હતું!

ખૂબ જાણીતી ક્ષણો પાછી ફરી!
પણ હવે એમાં કોઈ ત્રીજું હતું;

કૈંક તો છેવટ સુધી ખૂટતું રહ્યું!
માનતો'તો હું, બધું પૂરું હતું!

:
હિમલ પંડ્યા
ક્યાં ગયાં વહાલના દિવસો?
ક્યાંથી આવ્યાં સવાલના દિવસો?

ભીતરે સંઘરીને બેઠો હું,
એક તારા ખયાલના દિવસો!

હાથથી છો ને સરકતા ચાલ્યા,
પણ હતા કમાલના દિવસો!

આજ જોઈ નિશાળ, યાદ આવ્યાં;
આપણાં ધમાલના દિવસો!

એમ કાયમ રહ્યા મારામાં;
હોય જાણે કે કાલના દિવસો!

:
હિમલ પંડ્યા
કશું ખૂટતું નથી તો યે કશું આપી જવાને આવ!
તું મારી જીંદગીમાં કોઈ ને કોઈ બહાને આવ!

મજાનું સ્વપ્ન થઈને પાંપણોકેરા બિછાને આવ!
તું મારી સંગ આખાયે ગગનને આંબવાને આવ!

બની જા ગીતનો લય કે ગઝલનો કોઈ મિસરો થા!
મૂકી રાખી છે મેં ડાયરીના પાને-પાને આવ!

છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,
જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ!

મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો!!
છતાં કલ્પી શકું છું હું તને પણ સ્થાને, આવ!

:
હિમલ પંડ્યા