Tuesday 28 February 2017

જાતની સાથે જરા વાંકું પડ્યું છે,
એક સપનું જ્યારથી પાછું પડ્યું છે;
હું પડ્યો છું એક ખૂણે એ જ રીતે,
જેમ આ ગઈ કાલનું છાપું પડ્યું છે!
'એકલો તું થઈ જવાનો સાવ, જોજે!'
તેં જતી વેળા કહ્યું, સાચું પડ્યું છે;
એ રફૂ કરવાથી સંધાશે ખરું ને?
આપણાં સંબંધમાં ફાંકું પડ્યું છે!
કેટલી વરસ્યા કરે છે એકધારી!
આંખમાં આખું ય ચોમાસું પડ્યું છે?
લાશ દિકરાની ખભે ઊંચકી જ્યાં એણે,
આજ માથે આભ ત્યાં આખું પડ્યું છે !!
: હિમલ પંડ્યા
રંગ પૂરતા ચિત્ર ધોળું થાય તો હું શું કરું?
દર્દ જો જાતે પટોળું થાય તો હું શું કરું?
એમને કહી દો કે સ્વપ્ને આવ-જા બહુ ના કરે!
આંખનું પાણી આ ડહોળું થાય તો હું શું કરું?
એક પારેવું જુઓ, હાથેથી ચિઠ્ઠી છીનવી,
એમને આપીને ભોળું થાય તો હું શું કરું?
જિંદગીએ એટલું કહી હાથને ઊંચા કર્યા!
સ્હેજ જો ખાટું કે મોળું થાય તો હું શું કરું?
જે અહીં આવ્યા, પથારા પાથરી બેસી ગયા!
આ હૃદય એથી જો પ્હોળું થાય તો હું શું કરું?
હું નિજાનંદે ગઝલ તાજી કોઈ લલકારતો-
એકલો બેઠો'તો,ટોળું થાય તો હું શું કરું?
: હિમલ પંડ્યા
આપણે પાછા વળી ગ્યા'તા ડરીને;
એ જ રસ્તે લ્યો હવે આવ્યા ફરીને!
અે પછી લોહી બની વહ્યા કર્યા છે;
આંસુઓ પાછા ફર્યા જે ઓસરીને;
સાવ સંકુચિત મનના નીકળ્યા ને?!
જે થયા'તા ખૂબ મોટા વિસ્તરીને;
કામ ના આવ્યું કશું યે આખરે તો,
કેટલું ભેગું કર્યુ'તું સંઘરીને!
તું પરાણે આમ શ્વાસો આપજે ના;
મેં જીવન માગ્યું નથી કંઈ કરગરીને!
આવડતથી આ જગા કોઈક લેશે!
જોઈ લઈએ ચાલ, વેળાસર ખરીને.
: હિમલ પંડ્યા
બસ હવે એક જ રટણ છે, હા મને તું જોઈએ,
હર પ્રહર તારું સ્મરણ છે, હા, મને તું જોઈએ;
ઝંખના મિલનતણી મૃગજળ બનીને વિસ્તરે!
યાદનું વેરાન રણ છે, હા, મને તું જોઈએ;
આવ મારી પાસ, સદીઓની તરસ છીપી જશે,
પ્રેમનું વહેતું ઝરણ છે, હા, મને તું જોઈએ;
કૈંક બદલાયું, નવું આવ્યું, જૂનું ભૂંસાયુ પણ-
આટલું સ્થાયી વલણ છે, હા, મને તું જોઈએ;
કો'ક તો મારું હશે ને આ જગતમાં ક્યાંક તો!
ટાળવી આ મૂંઝવણ છે, હા, મને તું જોઈએ;
તું ય જાણે છે હૃદયકેરાં હજારો પ્રશ્નનું,
એક બસ નિરાકરણ છે, હા, મને તું જોઈએ.
: હિમલ પંડ્યા
હૃદય લઈને આવ્યા છો, તમને ખબર છે?
આ સંવેદનાઓ વગરનું નગર છે;
બહુ લાગણીની અપેક્ષા ન રાખો!
અહીં દુનિયાદારીની ઝાઝી અસર છે;
તમે જેને ઈશ્વર ગણી પૂજતા 'તા!
એ પથ્થર થયો છે, ન એને કદર છે;
અમે પણ જુઓ, છેક આવીને ઊભા!
સતત લાગતુ'તું અજાણી સફર છે;
સમી સાંજ, દરિયો અને રેત-ચિત્રો;
બધું છે, પરંતુ તમારા વગર છે;
તમે શબ્દનો સાથ છોડી ન દેશો!
અવિનાશી છે એ, અજર છે, અમર છે;
: હિમલ પંડ્યા
આંખની સામેથી ઘટના ક્યાં જશે?
ને જશે તો યે આ ડૂમા ક્યાં જશે?
આંસુઓ આવ્યા છે તો આવવા જ દો!
રોકશો તો એ ય પાછા ક્યાં જશે?
હાથ પકડ્યો તો હવે છોડો નહિ!
આપનો આશિક વચમાં ક્યાં જશે?
આંખ ખુલ્લી રાખવાની છે હવે?
અે ય કહી દો કે આ સપના ક્યાં જશે?
આવકારી લઉં ખુશીની રાતને;
છે ફિકર, દિવસો આ વસમા ક્યાં જશે?
સત્ય ખુલ્લું પાડશો? પાડો ભલે;
પણ વિચાર્યું છે કે અફવા ક્યાં જશે?
એ કફન થઈને ય છેલ્લે આવશે!
ટેવ પાડી છે એ પરદા ક્યાં જશે?
: હિમલ પંડ્યા
જીંદગીને એમ હંફાવી છે મેં!
રોજ થોડી જાતને તાવી છે મેં!
તું મને તડકા વિશે કંઈ પૂછ મા;
ધોમ ધખતી રાત વીતાવી છે મેં!
આ ઉદાસી એટલે રોકાઈ ગઈ!
પ્રેમથી એને ય અપનાવી છે મેં!
પીઠ પાછળ જે ટીકા કરતા રહ્યા;
એમને મોઢે જ સંભળાવી છે મેં!
ઓ વડિલ! કાં આટલાં ગુસ્સે થયાં?
આપને ગીતા જ વંચાવી છે મેં!
ઓળખે છે એ જ ચાહે છે મને;
આ છબી જાતે જ ઉપસાવી છે મેં!
શ્વાસને ધમકાવીને સીધા કર્યા;
આખરી તરકીબ અજમાવી છે મેં!
: હિમલ પંડ્યા
તને આંગળી ઝાલી લઈ જાય છે;
જરા પૂછ, એ ક્યાં લગી જાય છે?
કશું માંગવાથી મળે છે જ ક્યાં?
નથી શોધતા એ જડી જાય છે;
સદી જેવી ક્ષણ કોઈ વીતે અને,
કદી કોઈ ક્ષણમાં સદી જાય છે!
ઉદાસી બધું યે કહી જાય છે,
ઘણું તો ય કહેવાનું રહી જાય છે;
નથી એક આંસુ ય આવ્યું હજી,
છતાં કેટલું યે વહી જાય છે!
તમે એને પકડી શકો છો ભલા?
સમય છે, સમય તો સરી જાય છે!
બધી હસ્તરેખાઓ કાચી પડે!
કદી એમ પાસા ફરી જાય છે;
: હિમલ પંડ્યા
રોજ ચાલી નીકળું છું, રોજ થાકી જાઉં છું,
ઊંચકી હોવાપણાનો બોજ થાકી જાઉં છું;
એકધારું જાગવાથી કોઈ દિ' થાક્યો નથી,
સ્વપ્નની આવી ચડે જો ફોજ, થાકી જાઉં છું;
શ્વાસનો દરિયો સમૂળગો પાર ઊતરી જાઉં છું,
હોય પીડાઓનો જ્યારે હોજ, થાકી જાઉં છું;
રોજ કંઈ ને કંઈ મને ના ભાવતું પિરસ્યા કરે!
ઓ પ્રભુ! બદલાવને આ લોજ, થાકી જાઉં છું;
એમણે પૂછ્યું સતત લખતા હો તો થાકો નહિ?
મેં કહ્યું કે ના લખું ને તો જ થાકી જાઉં છું.
: હિમલ પંડ્યા
જે થવાનું એ થવાનું હોય છે,
આટલું જાણી જવાનું હોય છે;
રંજ એનો ક્યાં? તરસ છિપી નહિ,
દુ:ખ મળેલાં ઝાંઝવાનું હોય છે;
આંસુઓને આવતા રોકી શકો!
બસ, સ્મરણને આંજવાનું હોય છે;
આ બધી ચર્ચા કરી શું પામશું?
એ કહે તે માનવાનું હોય છે;
આ સફરમાં ખાસ બીજું કૈં નથી;
જીવવાનું ને જવાનું હોય છે.
: હિમલ પંડ્યા
આપણે સમજી શક્યા ના, શું હતું?
એમના હૈયામાં કંઈ બીજું હતું!
એટલે ના વાર લાગી તૂટતા,
આ હૃદય શરુઆતથી ઋજુ હતું;
ખેદ એનો છે, મને ના આવડ્યું!
બેવફાઈનું ગણિત સીધું હતું;
'તું કશું યે સાચવી શક્તો નથી';
યાદ આવ્યું, એમણે કીધું હતું!
ખૂબ જાણીતી ક્ષણો પાછી ફરી!
પણ હવે એમાં કોઈ ત્રીજું હતું;
કૈંક તો છેવટ સુધી ખૂટતું રહ્યું!
માનતો'તો હું, બધું પૂરું હતું!
: હિમલ પંડ્યા
ક્યાં ગયાં એ વહાલના દિવસો?
ક્યાંથી આવ્યાં સવાલના દિવસો?
ભીતરે સંઘરીને બેઠો હું,
એક તારા ખયાલના દિવસો!
હાથથી છો ને સરકતા ચાલ્યા,
પણ હતા એ કમાલના દિવસો!
આજ જોઈ નિશાળ, યાદ આવ્યાં;
આપણાં એ ધમાલના દિવસો!
એમ કાયમ રહ્યા એ મારામાં;
હોય જાણે કે કાલના દિવસો!
: હિમલ પંડ્યા
કશું ખૂટતું નથી તો યે કશું આપી જવાને આવ!
તું મારી જીંદગીમાં કોઈ ને કોઈ બહાને આવ!
મજાનું સ્વપ્ન થઈને પાંપણોકેરા બિછાને આવ!
તું મારી સંગ આખાયે ગગનને આંબવાને આવ!
બની જા ગીતનો લય કે ગઝલનો કોઈ મિસરો થા!
મૂકી રાખી છે મેં એ ડાયરીના પાને-પાને આવ!
છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,
જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ!
મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો!!
છતાં કલ્પી શકું છું હું તને પણ એ જ સ્થાને, આવ!
: હિમલ પંડ્યા