Thursday 29 June 2017

ચાલ થઈ છે સવાર, નીકળીએ,
કૈં બીજું ના વિચાર, નીકળીએ;

આપણે તો જ પાર નીકળીએ,
જાતમાંથી બહાર નીકળીએ;

જીત સુધી જવાનું સહેલું છે,
જો પચાવીને હાર નીકળીએ;

સુખની સરહદ ભલે હો કાંટાળી,
કરીએ હિંમત, ધરાર નીકળીઅે;

લ્યો મળ્યું છે જીવન મજાનું તો,
સ્હેજ મારી લટાર, નીકળીએ;

રોકડા શ્વાસ ચૂકવી દઈશું;
શાને રાખી ઉધાર નીકળીએ?

: હિમલ પંડ્યા

Monday 12 June 2017

અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી,
વખત આવ્યે સુણાવી દઈશ હું સઘળી વ્યથા મારી;
ઊભો છું હું અડીખમ કેટલાં જખ્મોના પાયા પર,
તમે ક્યાં જોઈ છે મિત્રો હજુ એ દુર્દશા મારી?
ગણો ના પ્રેમની ક્ષણને દવા પ્રત્યેક રોગોની,
અરે, એના થકી તો છે હજુ માઠી દશા મારી;
ફૂલોના ડંખથી તો જીંદગીભર હું ઘવાયો છું,
ચમન, તું રાખજે એકાદ કંટકમાં જગા મારી;
કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે,
પીડા એની દીધેલી છે, બીજું શું છે કલા મારી?
ઊઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે;
હૃદય જાણી ગયું છે, રોજની છે આ પ્રથા મારી.
: હિમલ પંડ્યા
(પ્રેરણાસ્ત્રોત : ફક્ત એ લોકને અર્પણ છે દિલ મારું કલા મારી - મરીઝ)
મૂક ને પડતી વાત, જવા દે!
વીતી ગઈ એ રાત, જવા દે! 

માણીએ ઉગરી ગ્યાનો અવસર,
એક ટળી ગઈ ઘાત, જવા દે! 

લોકો એનું કામ કરે છે, 
ભૂલ બધા આઘાત, જવા દે!

મૂંગા મોઢે સહેવું સારું,
સઘળા પ્રત્યાઘાત જવા દે!

દુનિયા સામે શું બાખડવું?
શું એની ઓકાત, જવા દે! 

ઠાકર જે કરશે એ થાશે! 
શાનો ચંચૂપાત? જવા દે!

: હિમલ પંડ્યા


ગર્ભનાળના માધ્યમથી
જરુરી અને જોઈતું બધું જ
પહોંચાડીને
એણે 
પોતાના અંશમાંથી
મારા અણુએ અણુનું નિર્માણ કર્યું!
છાતીએ વળગાડીને
સર્વોત્તમ પોષણ થકી
મને પોષ્યો, વિકસાવ્યો.
આંજણ કર્યુ.
અાંસુ આવ્યા ત્યારે 
આંખ અને આંજણ બન્ને લૂછ્યા!
ચપોચપ તેલ પૂરીને
સાવ સીધી પાથી પાડી આપી
અને પછી,
હું ય જીવનના સાવ સીધા રસ્તે
ચપોચપ ચાલતો
છેક અહીં આવી ગયો! 
મોટો થયો 
અેટલે થયું કે
લાવ, ઋણ ચૂકવું.
અને પછી
મે મહિનાનો બીજો રવિવાર
એના નામે કરી દીધો!! 
......અેને ખબર પડી
ત્યારે હસીને બોલી,
"સાવ ઘેલો જ રહ્યો તું!"
વેઈન ફ્લો ચડાવેલો હાથ
એણે મારા માથે ફેરવ્યો.
હું તાજી પાડેલી સેલ્ફીને 
ગેલેરીમાં તાજા બનાવેલા ફોલ્ડરમાં
સેવ કરવામાં પડેલો!
આવતા વેકેશનમાં કદાચ
ન ય અવાય!
અથવા...
....
....


: હિમલ પંડ્યા
મેં ય લ્યો, સઘળી મમત મૂકી દીધી!
અધવચાળે આ રમત મૂકી દીધી!

હા, કવેળાની કમત મૂકી દીધી!
બિનજરૂરી કેફિયત મૂકી દીધી!

એ જ ઈર્ષાનું ખરું કારણ હતી;
આપણે જે આવડત મૂકી દીધી!

હાર આ સંબંધની નક્કી હતી;
એટલે અંતે લડત મૂકી દીધી!

આંખમાં તારી મને દેખાઈ'તી;
લાગણી તેં જે પરત મૂકી દીધી!

જીવવાનું, એ ય ભૂલીને તને?
કેટલી અઘરી શરત મૂકી દીધી?!

: હિમલ પંડ્યા 
હવે થાકી-હારીને બેઠો છું અહિયાં,
બધું યે નિહાળીને બેઠો છું અહિયાં;

અમસ્તો જ આવીને બેઠો છું અહિયાં; 
વિવાદોને ટાળીને બેઠો છું અહિયાં;

ઘણું યે ભૂલાવીને બેઠો છું અહિયાં,
ઘણું યાદ રાખીને બેઠો છું અહિયાં;

સિકંદર થવા નીકળ્યા'તા તમે, લ્યો-
હું તમને જીતાડીને બેઠો છું અહિયાં;

હતાં, આવરણ કૈંક રાખ્યા હતા પણ-
ઉતારી, ફગાવીને બેઠો છું અહિયાં;

અલખ એ ધણી છે, ચલમ શબ્દની છે;
હું ધૂણી ધખાવીને બેઠો છું અહિયાં.

: હિમલ પંડ્યા
એ બધી યે વાતમાં ફાવ્યા કર્યા,
જેમણે ચહેરાં જ બદલાવ્યા કર્યા;

ઝાંઝવા જેવાં સુખો દેખાડીને,
જીંદગી આખી ય હંફાવ્યા કર્યા;

રોજ પિરસાતા રહ્યા માગ્યા વગર,
દર્દ એના એ પછી ભાવ્યા કર્યા;

એમની તસવીર જોઈને સૂતાં,
એમના સપનાં પછી આવ્યા કર્યા;

એક બેહદ કિંમતી પુસ્તક મળ્યું;
આપણે પાનાં જ ઉથલાવ્યા કર્યા!

હું જવાબો શોધવામાં રહી ગયો!
કોઈએ પ્રશ્નો જ ઉલટાવ્યા કર્યા.

: હિમલ પંડ્યા
આપણાથી થાય એની એ જ ભૂલ!
રોજ બનવાનું અહીં એપ્રિલફૂલ!

જીન્દગીનો સાવ સીધો એક રુલ!
જે કશું આવી મળે, એ કર કબૂલ!

છેવટે ખિસકોલીને સમજાઈ ગ્યું;
પીઠ પર રેતી ભર્યે ના થાય પૂલ!

એક પળમાં પાઠ શીખવી દે બધા;
સહુથી ચડિયાતી અનુભવની જ સ્કૂલ!

આ રમતમાં એ ઘણો માહેર છે;
જીવવાનું થાય ત્યારે શ્વાાસ ગુલ!

"પાર્થ" કંઈ કહેવા મથો એવે સમે;
જો ગઝલ સર્જાય તો પૈસા વસૂલ!

: હિમલ પંડ્યા 
બસ, ઊગવાનું ને ઢળવાનું!
આપણે અંતે ઓગળવાનું!

તમે કહો છો ઝળહળ જેને;
એ તો છે કેવળ બળવાનું!

ઈચ્છાનો જો વેશ લીધો ત્યાં,
ભાગે આવ્યું ટળવળવાનું!

સુખની રોટી અેક ન પામો;
જીવતર ઓરીને દળવાનું!

એ ઈશ્વરની વાત જવા દો;
એને ફાવે છે છળવાનું! 

મોડું મોડું, પણ શીખી ગ્યા;
ભૂલી જાવાનું, ગળવાનું! 

શ્વાસના ધણને બુચકારી લ્યો!
ટાણું છે પાછા વળવાનું!

: હિમલ પંડ્યા
એક સોદો સાવ સસ્તો થઈ ગયો!
દિલ ધરી દીધું, ને રસ્તો થઈ ગયો! 

આંસુઓ ઝૂલ્યા'તા જ્યાં તોરણ બની,
એ જ ચ્હેરો આજ હસતો થઈ ગયો!

જો, સમય છિનવી જવા આવ્યો હતો;
પણ એ પળમાં હાથ ઘસતો થઈ ગયો!

ખૂબ હું ભટક્યો હતો, પણ આખરે-
એમના હૈયામાં વસતો થઈ ગયો! 

એમણે પૂછ્યું, થયો આ પ્રેમ કાં? 
મેં કહ્યું, એમ જ અમસ્તો થઈ ગયો!

: હિમલ પંડ્યા