Sunday 19 November 2017

વેરનું ચાલ ને, વમન કરીએ,
પ્રેમનું સ્હેજ આચમન કરીએ;

એક સપનાને સાચું ઠેરવવા,
હું અને તું નું બહુવચન કરીએ;

જે નથી કામનું - જતું કરીએ,
હોય ઉત્તમ, બધું ચયન કરીએ;

પાસ જો આવશે, પીડા દેશે,
એમને દૂરથી નમન કરીએ;

આ ખુશીની પળોને વહેંચીને,
દર્દના ભારને વહન કરીએ;

આજ ફૂટ્યો છે શબ્દ ભીતરથી,
ચાલ, એનુ ય વિમોચન કરીએ.

: હિમલ પંડ્યા
એક ગુરુ છે વધારે, એક લઘુ ઓછો પડે છે,
જિંદગીની આ ગઝલ લખવામાં એ લોચો પડે છે.

એ હવે અહીંથી નીકળતાવેંત સામું જોઈ લે છે,
એક પથ્થર, એમ લાગે છે જરા પોચો પડે છે!

આ હૃદયને એટલું મજબૂત રાખ્યું છે હવે, કે-
તૂટવાનું તો નથી પણ તો ય હા, ટોચો પડે છે;

ત્યાં જવાનું એ જ કારણથી સતત ટાળ્યા કરું છું,
એ મને જુએ છે ત્યારે સ્હેજ તો ભોંઠો પડે છે;

કુંડળીના દોષ જોઈ કૈંક વરતારા કીધા પણ,
વાત જ્યાં કાબેલિયતની આવતી, ખોટો પડે છે;

રોજ જે ઢસડે કવિતાઓ એ માંહેનો છે ‘પાર્થ’
પણ લખે છે જે ખૂબીથી, એ થકી નોખો પડે છે;

: હિમલ પંડ્યા ‘પાર્થ’
આ તે કેવું થાવા માંડ્યું?
ભીતર કોઈ ગાવા માંડ્યું!

નજરોએ કંઈ કહેવા માંડ્યું!
નજરોને સમજાવા માંડ્યું!

દર્દ બધું ભૂલાવા માંડ્યું!
તૂટેલું સંધાવા માંડ્યું!

દેખાતું’તું એ ન્હોતું ને-
ન્હોતું એ દેખાવા માંડ્યું!

આંખો વાટે આવ્યું કોઈ
હૈયામાં સંતાવા માંડ્યું!

અઘરી ક્યાં રહી પ્રેમની ભાષા?
સઘળું લ્યો, ઉકલાવા માંડ્યું!

: હિમલ પંડ્યા
કોઈનો સહવાસ નોખો હોય છે,
એ વખતનો શ્વાસ નોખો હોય છે;

ઓગળે અસ્તિત્વ આખું મીણ થઈ,
સ્પર્શનો અહેસાસ નોખો હોય છે;

આંસુઓના મૂળ ના  શોધો તમે,
એમનો ઈતિહાસ નોખો હોય છે;

પોતપોતાની રીતે માપે બધા,
વેદનાનો ક્યાસ નોખો હોય છે;

હાથ સળગે એમ થાઓ લીન તો,
એ પછીનો રાસ નોખો હોય છે

આંગણું મારું ઉજાળ્યું એમણે,
શબ્દનો અજવાસ નોખો હોય છે,

શીખવી દે કેટલું પળવારમાં!
જિંદગીનો તાસ નોખો હોય છે.

: હિમલ પંડ્યા 
શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં?
એટલું ચાહું વીતે એ અન્યના ઉત્કર્ષમાં;

પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં;

એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ- 
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં!

છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં;

જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું!
એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં;

કૈંક તારું, કૈંક મારું, પણ બધું એનું જ છે;
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં.

: હિમલ પંડ્યા
થાક લાગ્યે થોભવાનું હોય છે,
અન્યથા બસ દોડવાનું હોય છે;

એક સપનું શોધવાની લ્હાયમાં,
કેટલું ફંફોળવાનું હોય છે!

એટલે મિત્રોમહીં જાતો નથી,
ગોઠવીને બોલવાનું હોય છે;

હેતથી ભરપૂર નજરો જ્યાં મળે!
ત્યાં જ હૈયું ખોલવાનું હોય છે;

દિલથી વળગાડી અને રાખો છો જે, 
છેવટે એ છોડવાનું હોય છે;

થઇ મુસાફર કો' અજાણ્યા દેશના,
"પાર્થ" અંતે તો જવાનું હોય છે. 

: હિમલ પંડ્યા "પાર્થ"
આગ દિલની હાથને આખો દઝાડે!
ટેરવાઓ ભાર પર્વતનો ઉપાડે;

આ કલમને સ્હેજ પણ નિરાંત ક્યાં છે?
શબ્દને એ હર ઘડી સૂતો જગાડે!

આ ગ્રહો સઘળાં સતત ફરતા મૂકીને,
તું પ્રભુ! બ્રમ્હાંડમાં કોને રમાડે?

આફતાબી તેજ ચહેરા પર છવાયું;
આવરણ એકાદ તો તું રાખ આડે!

કોઈ ખુલ્લેઆમ કંઈ કહેતું નથી ને-
દાવપેચો થાય ભીડેલાં કમાડે;

ચાલ, દુનિયાની ફિકર સઘળી મૂકી દે!
કોણ એની વાતનું માઠું લગાડે?

શબ્દનો છે સાથ એથી તો જીવું છું;
'પાર્થ' બીજું કોણ આપણને જીવાડે?

- હિમલ પંડ્યા 'પાર્થ'
ભીતરી રાવણને ચાલો બાળીએ,
એ રીતે હોવાપણું અજવાળીએ;

સહુ વિચારોને ફરીથી ગાળીએ,
જે નથી અપનાવવું એ ખાળીએ;

જીત હો કે હાર, બન્ને વ્યર્થ છે,
જાત સામેની લડતને ટાળીએ;

પ્રેમથી ચાખીને ઉત્તમ આપીએ,
કૈક લીધું છે તો પાછું વાળીએ;

સત્યના પક્ષે જ અંતે ધર્મ છે,
એ નિયમને આપણે પણ પાળીએ;

શોધ, અંદર ક્યાંક એ બેઠો હશે!
ક્યાં બીજે ભગવાન સાચો ભાળીએ?

: હિમલ પંડ્યા
બધી યે વાતમાં બસ એટલે ફાવ્યા કરું છું હું,
બરાબર લક્ષ્ય સાધીને પછી વીંધ્યા કરું છું હું;

પ્રથમ તો સાવ મોઢે રોકડું પરખાવી દઉં છું, પણ-
અસર થાતી નથી, ત્યાં હોઠને સીવ્યા કરું છું હું;

કવચ-કુંડળ ઉતારી ક્યારના સોંપી દીધા તમને,
ખુમારી છે હજુ અકબંધ, તો લડ્યા કરું છું હું; 

રખે ને તારી સાથેના એ સ્મરણો નીકળી આવે,
જખમને એ રીતે, બસ એ રીતે તાક્યા કરું છું હું:

અધૂરી હોય ઈચ્છા ત્યાં સુધી ક્યાં દેહ છૂટે છે?
તને ઝંખ્યા કરું છું એટલે જીવ્યા કરું છું હું.

: હિમલ પંડ્યા
સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું,
એ છતાં યે સાંભળી લે,  હું જ તારો પ્યાર છું;

રોજ હું આવીશ તારા ઊંબરા સુધી સનમ,
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

દોસ્ત જે અંગત હતાં એ હાલ સૌ પૂછી ગયાં,
હું પડ્યો જો પ્રેમમાં, સહુને થયું બીમાર છું;

વ્હેમ આ મારા જ મનનો હોય તો યે છો રહ્યો,
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું;

જિન્દગી તારી ભલે ને વારતા જેવી હશે,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું

:  હિમલ પંડ્યા
દ્વાર જ્યારે ચોતરફ બિડાય છે,
કોક રસ્તો ક્યાંક ખુલ્લો થાય છે;

છૂટતા સંબંધની પરવા ન કર!
જે જવાનું હોય છે એ જાય છે;

સાવ ખુલ્લા મનથી સામે બેસીએ,
આટલું યે કોઈથી ક્યાં થાય છે?

છે તફાવત આપણામાં એટલો,
હું ચડ્યો છીંડે ને તું સંતાય છે;

તક મળ્યે કરતો કળા જે મોરલો!
નગ્ન પાછળથી જુઓ, દેખાય છે;

મન કહો, મોતી કહો કે આઈનો,
સાંધતા તિરાડ તો રહી જાય છે;

રંજ ના કરીએ કસોટી-કાળનો,
એ થકી તો ‘પાર્થ’ સૌ પરખાય છે.

: હિમલ પંડ્યા ‘પાર્થ’
આભને આંબી શકો - અઘરું નથી,
તળને પણ તાગી શકો - અઘરું નથી;

બસ, ખુમારી આંખમાં હોવી ઘટે!
સૂર્યને તાકી શકો - અઘરું નથી;

રોજની સઘળી પળોજણને તમે-
ખીંટીએ ટાંગી શકો - અઘરું નથી;

કર્મની ફૂટપટ્ટી રાખી હાથમાં,
જાતને માપી શકો - અઘરું નથી;

એક સંવેદનભર્યું દિલ જોઈએ,
લાગણી વાંચી શકો - અઘરું નથી;

શબ્દનો સહવાસ સાચો કેળવો,
ઈશને પામી શકો - અઘરું નથી.

: હિમલ પંડ્યા 
કદી કોઈ સપનું ફળે પણ નહીં ને!
બધાને બધું તો મળે પણ નહીં ને!

મથો તો મળે, જે લલાટે લખાયું!
છતાં દાળ સઘળે ગળે પણ નહીં ને!

તમારો અહમ થઈને રાવણ ઊભો છે,
એ સહેલાઈથી તો બળે પણ નહીં ને!

હશે પ્રેમ - ચાલો, મેં માની લીધું, પણ-
તો એ આવી રીતે છળે પણ નહીં ને!

ન રોકી શકાતું, સર્યું આંખથી જે,
હવે તો એ પાછું વળે પણ નહીં ને!

કવિતાઓ મારી અમર થઈ જવાની,
બધું રાખમાં તો ભળે પણ નહીં ને!

: હિમલ પંડ્યા

ઉલમાંથી નીકળ્યા તો ચૂલમાં!
કેટલું ગુમાવવાનું ભૂલમાં?!

લાગણીથી કામ બસ, લીધા કર્યું,
નોતરી આફત બધી ફિજુલમાં;

જીન્દગીએ આખરે શીખવી દીધું!
આપણે શીખ્યા નથી જે સ્કૂલમાં;

માંહ્યલો ના માને એ કરતો નથી,
હું નથી પડતો બીજા ઉસૂલમાં;

વૈભવી વસવાટ જે ના દઈ શક્યો,
એ મજાઓ નીકળી તાંદુલમાં!

અેમ તું મારામહીં સામેલ છે,
જે રીતે સુગંધ છે આ ફૂલમાં.

: હિમલ પંડ્યા
જે કહેવું છે એ કહી શકાતું નથી,
અને મૌન પણ રહી શકાતું નથી;

અહીં એક પળ પણ જીવાતું નથી,
અહીંથી કશે જઈ શકાતું નથી;

આ સપનું જે અહીયાં તો ફળતું નથી,
અે બીજાને પણ દઈ શકાતું નથી;

સમય તો યુગોથી થીજીને ઊભો!
અમારાથી કાં વહી શકાતું નથી?

વિવાદો ટળે એથી બસ, ચૂપ છું,
છતાં આળ આ લઈ શકાતું નથી;

દે મુશ્કેલીઓ, હાથ માથે ન રાખ!
તને એમ છે સહી શકાતું નથી?!

લખી જાય ફાળામાં શ્વાસો બધા!
પછી આવજે - કહી શકાતું નથી.

: હિમલ પંડ્યા 
પ્રણયકેરું કો' બીજ વાવી ગયા છો,
હૃદયમાંની જગ્યા પચાવી ગયા છો;

નથી એમ આસાન જાવું કશે પણ,
હવે સ્વપ્નમાં મારા આવી ગયા છો;

ભરોસો છે કે છેક પહોંચી જવાશે, 
મને એક રસ્તો બતાવી ગયા છો;

જમાનાની ચર્ચા જ ખોટી છે, છોડો!
તમે એની વાતોમાં આવી ગયા છો;

સતત એમ લાગે કે અવસર હો જાણે,
આ જીવનને એવું સજાવી ગયા છો;

મળ્યો છું તમોને તો મહેંકી ઊઠ્યો છું,
તમે પણ સ્વીકારો કે ફાવી ગયા છો!

: હિમલ પંડ્યા