Thursday 19 April 2018

આવ તો યે ચાલશે, ના આવ તો યે ચાલશે,
દૂરથી બસ, વ્હાલ તું વરસાવ તો યે ચાલશે

એક પળ પૂરતો હશે લગાવ તો યે ચાલશે
એ પછી કાયમ રહે અભાવ તો યે ચાલશે

સાવ તો પીડાથી અળગાં થઈ શકાવાનું નથી,
રુઝતા હો એક-બે જો ઘાવ તો યે ચાલશે

છું નસીબવંતો કે તારી યાદ મારી સંગ છે,
જો મળે ના એક પણ સરપાવ તો યે ચાલશે

ત્યાં કિનારે કોઈ મારી રાહ જુએ છે, હવે
છો ને ચાહે ડૂબવાને નાવ તો યે ચાલશે

: હિમલ પંડ્યા
बात जो दिल में थी वो बता ना सके,
था बहोत कुछ जिसे हम जता ना सके;

अब ये आलम है, तन्हा है कुछ इस कदर,
नींद आ जाती है, ख्वाब आ ना सके!

दिल ने दिल से किये थे तो वादे बहोत,
बस ये गम है उन्हें हम निभा ना सके;

कुछ न तुम छोड़ पाये अपनी वो जिद्द,
और कुछ हम तेरे पास आ ना सके!

कल अचानक जो यूँ सामने आ गये;
क्या हुआ क्यूँ नजर हम मिला ना सके?

कौन शिकवा करे और किसे दोष दे?
भूल जाये वो सब जो भुला ना सके!

: हिमल पंड्या
મનના નબળા ભાવો સાથે હું પણ જીવું, તું પણ જીવે,
રોજ નવી અફવાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે;

સાવ અચાનક ભાંગી પડતી, હીબકાં ભરતી રાત લઈને,
તૂટેલા સપનાઓ સાથે હું પણ જીવું, તું પણ જીવે; 

કોની સામે, ક્યા કારણથી, કેવી રીતે, ક્યાં જઇ લડીએ?
બુઠ્ઠી આ તલવારો સાથે હું પણ જીવું, તું પણ જીવે;

સામે મળતો એકેક ચહેરો અણજાણીતા ભેદ ઉઘાડે,
પળપળના આઘાતો સાથે હું પણ જીવું, તું પણ જીવે;

કૈંક ઉમેર્યુ, ગુણ્યું-ભાગ્યું, છેવટ સઘળું બાદ કરીને,
શેષ બચેલા શ્વાસો સાથે હું પણ જીવું, તું પણ જીવે;

: હિમલ પંડ્યા
એક 
ગ્રીન કોરીડોર મળે 
તો
મારી લાગણી
વહેતી અટકે એ પહેલા
પહોંચાડવી છે 
તારા હૃદય સુધી....

: હિમલ પંડ્યા
આ તમે જે હોડ શ્વાસોની બકી છે,
હારવાની સો ટકા એમાં વકી છે;

કોઈ પણ પરવાહ ક્યાં રહી છે ચકાને?
મગનો દાણો જાતે લઈ આવી ચકી છે. 

આપણે નાસ્તિક થવું નહીં પાલવે હોં!
આપણી શ્રદ્ધા ય એના પર ટકી છે. 

દર્દને હડસેલવાનું દૂર શાને?
આ બધુંયે આખરે એના થકી છે.

મોત ડારો દઈ ગયું છે જે ઘડીથી, 
જિંદગી બસ, એ ઘડીથી ઠાવકી છે.

: હિમલ પંડ્યા 
मुझको लगता है, खुदा होगा नहीं,
और होगा तो, जुदा होगा नहीं

खोज, अपने आपमें होगा कहीं!
कोई एसे गुमशुदा होगा नहीं

हाथ में पत्थर है, वो ही फेंक दे!
बैठे बैठे बुदबुदा होगा नही

देख, क्या मस्ती से चलता जा रहा!
आदमी शादीशुदा होगा नहीं

झपकियां लेने की थी आदत उसे,
रास्ता तो खमशुदा होगा नहीं

: हिमल पंड्या 

खमशुदा : घुमावदार
એમ કહીને ચકલી આંખ લૂછે
વસતીથી ફાટફાટ તારા આ શ્હેરમાં મારો તે ભાવ કોણ પૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે

કોંક્રિટના જંગલમાં રાખ્યું તે કોઈ દિ’ ખુદ માટે શ્વાસ લેવા કાણું? 
તારું જ ઠેકાણું પડતું ના હોય ત્યાં મારું ક્યાં ગોતું ઠેકાણું?
સપનું દેખાડે એ જોઉં કે દફનાવું, કહી દે કે કરવાનું શું છે?
એમ કહીને ચકલી આંખ લૂછે

કીધું ક્યારેય તેં આ મોબાઈલના ટાવરને એનાથી કેવી હું ધ્રુજું?
ધસમસતો તોફાની ટ્રાફિક ક્યાં સમજે? છે મારો સ્વભાવ ઘણો ઋજુ!
એક દિવસ માંડ કર્યો મારા નામે અને તો ય વળ કાં ચડાવો છો મૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે

તારા ડ્રોઈંગરુમમાં ફોટો મારો છે, એની પાછળ હું માળો એક બાંધું?
ફાટી બેહાલ થયું જીવતર આ, તું કયે તો જરાક આ રીતે સાંધું;
કચરો કે કલબલ નહીં થાવા દઉં, કહેજે મેડમને કે પ્રોમિસ કર્યું છે,
એમ કહીને ચકલી આંખ લૂછે

વસતીથી ફાટફાટ તારા આ શ્હેરમાં મારો તે ભાવ કોણ પૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે

: હિમલ પંડ્યા 
૨૦-૩-૨૦૧૮
વિશ્વ ચકલી દિવસ 
અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે;

તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશા થાય છે;

કોણ જાણે શું હવે દઈને જશે,
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે;

આંસુઓએ બેધડક પૂછી લીધું!
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?

આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે;

હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.

: હિમલ પંડ્યા 
બતાવો ભલે ને કે ચિંતા કરો છો,
તમે શબ્દને દૂધ પીતા કરો છો

સમજવાનું સઘળું ય સોંપી બીજાને,
જુઓ, કેવી અઘરી પરીક્ષા કરો છો!

ખરી પંડિતાઈને પામી ગયા છો,
હરણમાંથી જાણે કે સીતા કરો છો!

જૂનું વાંચશો - તો નવું કૈં લખાશે,
નથી એકડો થાતો, મીંડા કરો છો

તમારા ભલા કાજ ટોકે જો કોઈ,
ખુલેઆમ એની જ નિંદા કરો છો

નિભાવે છે વહેવાર જે વાટકીનો,
તમે એ બધાને ચહીતા કરો છો

ઊલેચો બધું તો યે અર્થો ન નીકળે!
કવિતા કરો છો કે લીટા કરો છો?

: હિમલ પંડ્યા 
લાગે કદીક, જિંદગી ગમતી સુગંધ છે, 
ક્યારેક એમ થાય કે મોજાંની ગંધ છે

એમાં જ આખરે તો બધું દેખતા થયાં!
નહિતર એ કહેવાતું હતું કે પ્રેમ અંધ છે

ઊંચકી લીધો જો એમણે, ઊંચો થયો છું હું! 
આ દોસ્તોના કેટલાં મજબૂત સ્કંધ છે!

એના હૃદય સુધી અમે પહોંચી ગયા’તા પણ,
લખ્યું’તું - રસ્તો અહીંથી આગળનો બંધ છે

આંસુ, ઉદાસી, પીડા, કાગળ, કલમ, શબદ
લખવાતણો મજાનો કેવો પ્રબંધ છે!

: હિમલ પંડ્યા 
હાથથી છટકી અને હેઠી પડેલી ક્ષણ વિશે,
તું કહે ને! શું લખું એ ‘કાશ’ કે એ ‘પણ’ વિશે?

એક-બે પળની ખુશી માટે ઝઝુમ્યા હોઈએ,
શું કરો? કોઈ પૂછે જો દૂઝતા આ વ્રણ વિશે!

આપણે મળ્યું છે એને માણતા શીખ્યા નથી,
કીડીઓને હોય છે ફરિયાદ કોઈ કણ વિશે?

એ નિભાવી જાય છે, આવે જે એના ભાગમાં,
કઈ દવા છાતી ફૂલાવીને ફરે છે ગણ વિશે?

એક સપનું, એક ઈચ્છા, એક કહેવાતું નસીબ-
લાપતા છે, છે કોઈને ભાળ થોડી ત્રણ વિશે?

આ અરીસાના નગરમાં રોજ જે સામો મળે!
ચાલ, મેળવીએ ખબર એકાકી એવા જણ વિશે.

: હિમલ પંડ્યા
કોણ જાણે શું લખ્યું છે ચોપડે?
કે ખુશીની એક પળ પણ ના જડે!

દર્દને પસવારતા શીખવું પડે,
એમ થોડું સુખ સહુને સાંપડે?

કુંડળી ખોલી, તો એ બોલી ઊઠી,
પૂર્વગ્રહ સિવાય બીજું શું નડે?

રણ સમયનું વિસ્તર્યા કરતું સતત,
આ હરણ ઈચ્છાનું કેવું તરફડે?

આ હકીકતનું છે સમરાંગણ અને-
ત્યાં જુઓ! સપનાંઓની લાશો સડે

છેક ભીતર યાદને ધરબી છતાં,
આંખથી આ એકધારું શું દડે?

જિંદગીથી માંડ સંતાયા હો ને-
મોત તમને શોધતું આવી ચડે!

: હિમલ પંડ્યા
ચાલ ને પડતું મૂક હવે ફળવાનું! કહીને આવ્યો છું
સપનાને આજે સાવ જ ઉઘાડું કહીને આવ્યો છું

રોજ આ સામે આવી સંતાવાની રમતથી થાક્યો’તો
ચાહું છું તમને - એવું પરબારું કહીને આવ્યો છું

જો અસમંજસમાં બેઠું બે હાથે માથું પકડીને!
અળવિતરા મનને હું એક ઊખાણું કહીને આવ્યો છું

એની સામે ટેવ મુજબ બે હાથ તો જોડી દીધા, પણ
હું ગુસ્સામાં એને ના કહેવાનું કહીને આવ્યો છું

ચાલ, અરીસામાંથી નીકળ બ્હાર, ને ગમતી વાતો કર
ખૂણા પરની કીટલીએ બે ચાનું કહીને આવ્યો છું

પાવરધું છે જીવન લાગ જોઈને પાડી દેવામાં
મોતને હું બસ એનાથી બચવાનું કહીને આવ્યો છું

: હિમલ પંડ્યા 
ક્યાંથી આ આવીને ઊભી આપણી વચ્ચેની ભીંત?
સાવ છૂપી, તો ય સામી આપણી વચ્ચેની ભીંત!

બેય બાજુથી એ બન્નેને સતત ડસતી રહે,
થાય તગડી લોહી ચૂસી આપણી વચ્ચેની ભીંત!

લો સહારો કેટલાં પોકળ સમાધાનોતણો!
તો ય પાછી ઉગવાની આપણી વચ્ચેની ભીંત!

રોજ લાગે - આજ એ નક્કી તૂટી જાશે, અને
રોજ થોડી થાય ઊંચી આપણી વચ્ચેની ભીંત!

અણગમાથી, રીસથી, અળગાપણાથી છે બની,
એમ થોડી ભાંગવાની આપણી વચ્ચેની ભીંત!

એક જો સમજણની બારી ક્યાંક એમાં રોપીએ,
થઈ જશે સાવ જ નકામી આપણી વચ્ચેની ભીંત!

: હિમલ પંડ્યા 
જીવવાની એ જ રીત ખરી જાણતો હતો,
જે અણગમાઓ સઘળા તજી જાણતો હતો

હસતા સહી ગયો'તો પીડાઓના ભારને,
તરકીબ સહુથી સાવ જુદી જાણતો હતો

માણી શક્યો’તો એ જ આ મહેફીલની સૌ મજા,
અહીંયાથી સમયસર જે ઊઠી જાણતો હતો

અંતે ભળી ગયો ને તું ટોળાની વાતમાં!
પણ તું ય હકીકત ક્યાં પૂરી જાણતો હતો?

પાછું વળીને એમણે જોયું હશે નક્કી,
એના હૃદયની સાચી સ્થિતિ જાણતો હતો

મેં એટલે આ માર્ગ કવિતાનો લઈ લીધો!
ક્યાં બંદગીની રીત બીજી જાણતો હતો?

: હિમલ પંડ્યા
સ્હેજ જો હળવાશ છે? તો કર કવિતા!
હોઠ ઉપર હાશ છે? તો કર કવિતા!

ભીતરે કડવાશ છે? તો કર કવિતા!
આંખમાં ખારાશ છે? તો કર કવિતા!

ચાલ, અંદર આગ ચાંપી જોઈ લઈએ,
સંઘર્યો પોટાશ છે? તો કર કવિતા!

આવવાના એ નથી - કહીને ગયાં છે,
‘આવશે’ એ આશ છે? તો કર કવિતા!

જિંદગી આખી ઘસી નાખી શકાશે?
એટલી નવરાશ છે? તો કર કવિતા!

જે ક્ષણે લાગે કવિતાના વગરની,
જાત જાણે લાશ છે - તો કર કવિતા!

: હિમલ પંડ્યા 
ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે,
આખરે તો જે થવાનું હોય છે એ થાય છે;

એમનું દિલ એમને આપી દીધું પાછું અમે,
આપણાથી આપણું હો એ ય ક્યાં સચવાય છે?!

રોજ વહેવાની પ્રથા સામે હવે બળવો કરી,
આંસુઓ પાછા જઈને આંખમાં સંતાય છે.

શાયરીનો એટલો ઉપકાર છે મારા ઉપર,
એ બહાને વાત થોડી આપણી થઈ જાય છે!

આ સમયના સ્કૂલ તમને જીવતા શીખવે, છતાં-
જીવવાનું થાય છે ત્યાં તો જવાનું થાય છે.

: હિમલ પંડ્યા
ભૂલી જાવાથી ભૂલી જાવ એવું થાય છે થોડું?
સ્મરણ સાથે કદીયે સાવ એવું થાય છે થોડું?

ભલે મરહમ પીડાનો લઈને ઊભા સેંકડો લોકો!
કદી રૂઝાય તારો ઘાવ, એવું થાય છે થોડું? 

અહીં સુખ નામની દિલ્લી ઘણીયે દૂર છે, માન્યું!
છતાં પહોંચી શકો ગુડગાંવ એવું થાય છે થોડું?

મૂકો ક્યારેક આંસુને ય આ આંખોના શો-કેસમાં,
મળે તમને બધે સરપાવ એવું થાય છે થોડું?

જવાનું હોય મન એની કને, સઘળું ય છોડીને-
અને એ પણ કહી દે ‘આવ’ એવું થાય છે થોડું?

: હિમલ પંડ્યા 
ચહેરો બેનકાબ લઈ આવો,
કે છલકતું શબાબ લઈ આવો;

આખું આકાશ છે હથેળીમાં,
રુપનો આફતાબ લઈ આવો;

જીન્દગીની કથા લખી લઈએ,
એક કોરી કિતાબ લઈ આવો;

જોઈએ, ખોટ કોણે ખાધી છે?
લાગણીનો હિસાબ લઈ આવો;

માણવો છે ફરી નશો એવો,
એ જ જૂનો શરાબ લઈ આવો;

વાત મેં તો પૂરી કરી લીધી,
એમનો પણ જવાબ લઈ આવો;

જે હતો “પાર્થ”ની ગઝલમાંહે;
એ ફરીથી રુઆબ લઈ આવો

: હિમલ પંડ્યા "પાર્થ"
શોધવાથી ના જડે એ ચીજ છું,
માંગતા નાં સાંપડે એ ચીજ છું;

કો’ક દિ, ક્યારેક કોઈ હાથમાં,
સાવ ઓચિંતી પડે એ ચીજ છું;

લાગણી ને પ્રેમનો સેતુ થઇ,
જે સહુને સાંકળે એ ચીજ છું;

દામ મારા માત્ર મીઠા વેણ છે,
હું બધાને પરવડે એ ચીજ છું;

દૂર મુજને રાખવા છો ને મથો!
હું ફરી આવી ચડે એ ચીજ છું;

‘પાર્થ’ જે જીતી શકે આ જગતને,
શબ્દના શસ્ત્રો વડે એ ચીજ છું.

: હિમલ પંડ્યા "પાર્થ"
આપદાનો એક મોટો ફાયદો એ થાય છે,
કોણ સાથે, કોણ સામે છે? - બધું સમજાય છે;

બે જ ડગલાં મોત આઘું હોય ને એવી ક્ષણે,
જિદગીનું મૂલ્ય સાચોસાચ શું? પરખાય છે;

ખોખલા સહુ વળગણો રસ્તે મૂકી આગળ વધો!
જે જવાનું હોય, અંતે હાથથી એ જાય છે;

લાગણી સીંચી ઉછેર્યા હોય જે સંબંધને,
એ જ બાવળ જેમ આખર ચોતરફ ફેલાય છે;

ભૂલવા ધારો બધું ને છેવટે ભૂલી શકો!
એટલું સહેલાઈથી ક્યાં આ બધું ભૂલાય છે?

શબ્દકેરો સાથ આ કાયમ રહ્યો, સારું થયું!
"પાર્થ" એનાથી પીડાને સાચવી લેવાય છે. 

: હિમલ પંડ્યા "પાર્થ"
જંપ વાળીને કદી બેઠો નથી,
તક મળી કે સ્વપ્નમાં પેઠો નથી!

એમ કર, ઘડિયાળ તું પ્હેરાવ ને!
દોસ્ત, તારી યાદનો નેઠો નથી.

કોણ જાણે કેમ, પણ મારો ખુદા-
હાથ આંબે એટલો હેઠો નથી.

એમને અંદાજ કેવો દર્દનો?
એમની તકદીરમાં ‘વેઠો’ નથી. 

એટલે લોકોને રસ પડતો નથી
વારતામાં આપણી જેઠો નથી.

:  હિમલ પંડ્યા 
એક છેલ્લા કાફિયાની ખોટ છે,
જિંદગી મક્તા ભણીની દોટ છે.

લ્યો, તમારે હસતા રહેવાનું અને,
ફાકવાનો આ પીડાનો લોટ છે!

એ બહુ ભાગ્યે જ આખી નીકળે,
લાગણી ભાંગ્યું-તૂટ્યું અખરોટ છે.

બ્હાર ફેંકાયાં બધા યે આંસુઓ,
આંખમાંહે સ્વપ્નનો વિસ્ફોટ છે.

નીકળ્યું સરવૈયું એક સંબંધનું,
છેવટે બસ, નહીં નફો નહીં તોટ છે.

આ ગઝલ કહેવાનું કારણ તો હશે, 
ક્યાંય એકાદી મજાની ચોટ છે?

: હિમલ પંડ્યા
એકલી, બસ એકલી કડવાશ લઈ જીવતા હતાં,
જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતાં.

‘કાશ’ને ભૂલીને જેઓ ‘હાશ’ લઈ જીવતા હતાં,
એ જ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતાં.

એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં,
કોણ જાણે આપણે કઈ આશ લઈ જીવતા હતાં!

આ સંબંધો કોઈ પણ મોસમમાં મ્હોરી ક્યાં શક્યાં?
પાંદડે એ કાયમી પીળાશ લઈ જીવતા હતાં.

એક પણ પાનું હુકમનું કોઈ દિ’ નીકળ્યું નહીં!
આ અમે કેવી ક્ષણોની તાશ લઈ જીવતા હતાં?

પ્હોંચતાવેંત જ પૂછાયો પ્રશ્ન એવો સ્વર્ગમાં,
કેટલાં વરસોથી આવી લાશ લઈ જીવતા હતાં?

: હિમલ પંડ્યા 
જિંદગીને શોધતાં થાકે ચરણ,
રોજ પાછળ દોડતું આવે મરણ!
એક દિ' એ શ્વાસને ભરખી જશે;
ક્યાં સુધી દેતો ફરું ખુદને શરણ?
સ્વપ્ન થઈને કોણ આંખોમાં વસે!
આ ચડી આવે સતત કોનું સ્મરણ?
આંખ - આંસુ - આહ - અંતર્વેદના,
કોઈ તો સમજો વિરહનું વ્યાકરણ!
એ હૃદયથી ઊતરે કાગળ સુધી;
છે ગઝલ તો લાગણીનું અવતરણ।

: હિમલ પંડ્યા 

 
આંગળી આપો તો પોંચો ઝાલશે,
મારશો ડફણાં તો સીધી હાલશે;
ઓળખી લીધી છે દુનિયાને અમે,
ઝખ્મ દેશે ને પછી પંપાળશે;
જોઇને અહી એકની માઠી દશા,
જો, બીજાઓ ફૂલશે ને ફાલશે;
બેવફાઈ હોય જો અંજામ તો,
કોણ દિલમાં પ્રેમની ઘો ઘાલશે?
કોઈ મારગ ચીન્ધનારું ક્યાં રહ્યું?
બસ, હવે જઈશું કદમ જ્યાં ચાલશે;
સૌ ફરે છે એકલા આ શહેરમાં,
ક્યાં સુધી કોઈ હાથ તારો ઝાલશે?
‘પાર્થ’ જે સાથે રહયાં’તા બે ઘડી;
ખોટ એની જિંદગીભર સાલશે.
- હિમલ પંડ્યા 'પાર્થ'


 
હકીકતમાં જીવન સબડયા કરે છે,
અને તો ય શમણાઓ ઘડ્યા કરે છે;
ન મળતું કશું યે અહી માંગવાથી,
નથી શોધતા એ જ જડ્યા કરે છે;
નથી કાઈ મારું-તમારું છતાં યે,
ઇચ્છા તણું કૈક નડ્યા કરે છે;
બધા અશ્વ હાંફી ગયા લાગણીના,
છતાં પ્રેમ-ગાડું ગબડ્યા કરે છે!
હશે ભીતરે નક્કી ગમનો ખજાનો,
જુઓ, આંખથી મોતી દડ્યા કરે છે;
કહ્યો કોઈએ જ્યારથી સારો શાયર;
ગઝલ પર ગઝલ એ ઢસડયા કરે છે.
: હિમલ પંડ્યા 
સાવ કોરો એક કાગળ નીકળે,
કૈક ઈચ્છાઓનું કાસળ નીકળે;
એક્ધારે એ પછી વરસી પડે!
આંખમાંથી કોઈ વાદળ નીકળે;
જ્યાં જતનથી લાગણી રોપો તમે;
ત્યાં જ અંતે થોર-બાવળ નીકળે!
બંધ મુઠ્ઠી છે સમયની એટલે -
કાલ વિષે લાખ અટકળ નીકળે;
દીપ પ્રકટાવો તમે શબ્દોતણાં,
તો દિશાઓ આઠ ઝળહળ નીકળે;
હાથમાં લઈએ કલમ પાછી અમે,
જો ગઝલની સાથ અંજળ નીકળે;
જિંદગી હાંફી ગઈ છે દોડમાં;
શક્ય છે કે મોત આગળ નીકળે!
: હિમલ પંડ્યા 
જિંદગીથી જિંદગીની વાત કરતો જાઉં છું,
વેરને હું લાગણીથી મ્હાત કરતો જાઉં છું;
સાવ નર્યો દંભ છે જ્યાં સ્વાર્થ, અત્યાચાર છે,
ત્યાં બધે હું શબ્દથી આઘાત કરતો જાઉં છું;
મૌન મારું એકચિત્તે સાંભળે આખી સભા,
દર્દની આંસુથકી રજૂઆત કરતો જાઉં છું;
જે ઉદાસીનું અંધારું ભરબપોરે દઇ ગયા,
એમના નામે ખુશીની રાત કરતો જાઉં છું;
હું નથી પૂરી કરી શક્તો પ્રણયની વારતા,
અંત જો આવે, ફરી શરુઆત કરતો જાઉં છું;
“પાર્થ” પરવડતી નથી કોઇની ગુલામી એ છતાં,
એક બસ એના હવાલે જાત કરતો જાઉં છું.
હિમલ પંડ્યા “પાર્થ”
મુસીબતને લગાવીને ગળે, પ્યારી નથી કરવી,
જખમને ખોતરીને ચોટ ગોઝારી નથી કરવી;
અમારે હો ભલે નાતો પુરાણો વેદના સાથે,
નવી કોઈ પીડા સંગે હવે યારી નથી કરવી;
ભલે ડૂબી જતી જીવનમહીં ઈચ્છાતણી નૌકા,
અહમ્ ને પોષવા કાજે ય લાચારી નથી કરવી;
કશું ક્યાં સાંભળે છે તું, કશું પણ ક્યાં કરે છે તું?
ખુદા, તારી હવે સહેજે તરફદારી નથી કરવી;
હ્રદય તું ચેતવી દેજે મને થંભી જતા પહેલાં,
મરણની વાત પણ જાહેર અણધારી નથી કરવી;
જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલાં,
અરે ઓ દિલ, અમારે પ્રીત પરબારી નથી કરવી;
ભલે ને “પાર્થ”, સહુ નાદાનમાં તુજને ખપાવી દે,
ન એ સમજે તો રહેવા દે, મગજમારી નથી કરવી।
: હિમલ પંડ્યા "પાર્થ"
રૂપાળો એક રિશ્તો લાગણીનો તું કરી તો જો,
અમારી સાથ બે ડગલાં પ્રણયના તું ભરી તો જો;
સતત તું હોય છે મારા સ્મરણમાં, મારા શમણામાં,
કદી એકાંતમાં યે નામ મારું તું સ્મરી તો જો;
પ્રતીક્ષા મેં કરી છે કેટલી યે પામવા તુજને,
કસોટી આજ મારા પ્રેમની યે તું કરી તો જો;
તને થાશે અનુભવ એક મીઠા દર્દનો ત્યારે,
અમારી યાદને તારા હૃદયમાં સંઘરી તો જો;
બિછાવ્યું છે હૃદયને મેં સદાયે રાહમાં તારી,
અમારા માર્ગમાં તું યે નયનને પાથરી તો જો;
નથી કંઈ જીવવા જેવું જીવનમાં પ્રેમ જો ના હો,
જરા બસ વાત મારી આટલી કાને ધરી તો જો;
સિતારા તોડવાનો વાયદો કરવો નથી મારે;
પડીને પ્રેમમાં મારા ગગનને સર કરી તો જો!
: હિમલ પંડ્યા