Wednesday 22 July 2020

આ મજાઓ બે ઘડીની હોય છે,
દર્દની ઉંમર સદીની હોય છે;

એટલે રસ્તા કરી લે છે બધે,
એમની તાસીર નદીની હોય છે;

આપણા ભાગે રકમ મોટી નથી,
એમને ચિંતા વદીની હોય છે;

ભીતરે તું યાદ થઈ વહેતી રહે,
આંખ એ કારણથી ભીની હોય છે;

એ દશા તારા વગર મારી હતી,
જળ વિના જે માછલીની હોય છે;

હું નશામાં કોઇ દિ' હોતો નથી,
હા, અસર દિવાનગીની હોય છે;

ખીંટીએ લટકી રહ્યું હોવાપણું,
એટલી પીડા છબીની હોય છે;

: હિમલ પંડ્યા
એક હસતી, એક ગાતી છોકરી!
ને પવનની જેમ વાતી છોકરી!

એક એ ના હોય તો સૂનું બધું;
એમ મહેફિલમાં છવાતી છોકરી!

વાત માંડે તો ય માંડે એટલી;
કે પછી ના ચૂપ થાતી છોકરી!

યાદમાં સહુની રમ્યા કરતી સતત;
કોઈને પણ ક્યાં ભૂલાતી છોકરી?

આંખ સોંસરવી ઊતરતી જાય ને-
છેક હૈયામાં છપાતી છોકરી!

આ કવિતા કાં અધૂરી લાગતી?
શબ્દમાં પણ ના સમાતી છોકરી!

: હિમલ પંડ્યા

સહજ મળે તે માણું
મોહ, એષણા, લાલચ, મત્સર સઘળું ફોકટ જાણું
સહજ મળે તે માણું

માટીનો આકાર ને એમાં શ્વાસની આવન-જાવન  
પિંડની ફરતે પથરાયેલા જાણે કૈં વનરાવન!
ભેદ ભરમથી અળગો થઈને ભીતર તેજ પિછાણું
સહજ મળે તે માણું

અંદરથી ફૂટી નીકળી છે સાવ અનોખી સમજણ
એ જ ઘડીથી છૂટી ગઈ છે વ્યર્થ બધીયે મથામણ
શબદ મળ્યો તો લાગ્યું જાણે આવ્યું અવસરટાણું
સહજ મળે તે માણું

મોહ, એષણા, લાલચ, મત્સર સઘળું ફોકટ જાણું
સહજ મળે તે માણું

: હિમલ પંડ્યા
હાથ જે લાગી ગયું એ શું હતું?
હાથથી સરકી રહ્યું એ શું હતું?

સ્હેજ શરમાયા પછી હળવેકથી
*કાનમાં એણે કહ્યું એ શું હતું?

વાતમાંથી વાત તો નીકળી ઘણી
તોય જે મનમાં રહ્યું એ શું હતું?

એક પણ અક્ષર ઉકેલાયો નહીં
પત્રમાંહે મોકલ્યું એ શું હતું?

આંસુઓના પૂરને ખાળ્યા પછી
પાંપણેથી જે વહ્યું એ શું હતું?

ક્યાં હતી નબળી કદીયે ગ્રહદશા?
તોય આપણને નડ્યું એ શું હતું?

"પાર્થ" સઘળું ખોઈને બેઠા પછી
આખરી ક્ષણમાં જડ્યું એ શું હતું?

: હિમલ પંડ્યા "પાર્થ"

*તરહી મિસરો : કવિશ્રી રાજ લખતરવી
છાતીમાં દુઃખે નહીં તો થાય શું?
કાળજું કંપે નહીં તો થાય શું?

જૂઠ ને જડતા જ ફૂલે-ફાલશે,
સત્ય જો સંપે નહીં તો થાય શું?

માફ કરનારા જ માફી માગશે,
પ્રેમ જો પૂગે નહીં તો થાય શું?

હાથ ઉઠે - તો નવાઈ ક્યાં રહી?
આતમો ઊઠે નહીં તો થાય શું?

હીણપતનો ભાર આ વેંઢારતા
દ્વારિકા ડૂબે નહીં તો થાય શું?

: હિમલ પંડ્યા
એટલું ટપકાવવાનું નોંધમાં,
સુખ નથી મળતું, નકામું શોધ મા.

સાવ સાચો હું મને લાગ્યા કરું,
હોય છે જ્યારે બધા વિરોધમાં.

એક સમજણ આજ લગ સાથે હતી,
એ ય વહી ગઈ લાગણીના ધોધમાં.

પ્રેમ કે આદર ન સ્પર્શે જેમને,
છોડ, તું એને કશું સંબોધ મા.

આચરણથી એ ગળે ઊતરી જશે,
જે નથી શીખવી શકાયું બોધમાં.

ખૂબ ઝડપી દોડ થાતી જાય છે,
જ્યારથી દુનિયા ખડી અવરોધમાં.

: હિમલ પંડ્યા
એક સપનું આવ્યું'તું મારી આંખમાં. 
આથમતા સૂરજના અજવાળે આપણે 
બેઠા'તા હાથ લઇ હાથમાં; 
એક સપનું આવ્યું'તું મારી આંખમાં…

ચપટીભર રોપ્યા'તા બીજ અમે પ્રેમના,
ઉગેલું બ્હાર કશું દેખાયું કેમ ના?
શબ્દો ફગાવ્યા મેં અંતર ઓગાળવા,
આડસમા રાખ્યા તમે પરદાઓ વહેમના;
દુનિયા આખીને મેં મનાવી લીધી 
તમે રિસાયા નાનકડી વાતમાં;
એક સપનું આવ્યું'તું મારી આંખમાં…

સંગે વીતાવ્યા'તા દિવસો બે-ચાર,
ઝુરાવે કેટલો આ શમણાનો ભાર!
વિરહની પીડા ના મુજથી સહેવાય,
તારા વિના ક્યાં છે જીવનમાં સાર?
ભીતરમાં સળગેલી જ્વાળાને ઠારવા,
ચાલ, જીવી લઈએ સંગાથમાં;
એક સપનું આવ્યું'તું મારી આંખમાં…

સાંભળીને સાદ મારો દોડીને આવ,
સીમાઓ સઘળી તું તોડીને આવ;
ક્ષણભરને માટે પણ પ્રેમ ને જીવાડવા,
જિદ્દ ને સંકોચ બધું છોડીને આવ;
મૂકીને દુનિયાની પરવા તમામ 
જરા મળીએ અંતરના એકાંતમાં;
એક સપનું આવ્યું'તું મારી આંખમાં…

આથમતા સૂરજના અજવાળે આપણે 
બેઠા'તા હાથ લઇ હાથમાં; 
એક સપનું આવ્યું'તું મારી આંખમાં.

- હિમલ પંડ્યા 
મારું કશું યે ક્યાં હતું, તારું કશું ક્યાં છે?
આખી ય આ રમતથી થવાનું કશું ક્યાં છે?

વીતી ગઈ એ રાત, છે જેનો નશો તને,
જાગીને જોઈ લે કે મજાનું કશું ક્યાં છે!

સઘળે ફરી-ફરીને ફરી ત્યાં જ લાવશે,
જીવન ચલક ચલાણું છે, બીજું કશું ક્યાં છે?

આ દર્દ, આ ઉદાસી, આ પીડા અને વ્યથા,
આંસુ મેં ચૂકવ્યા છે, ઉછીનું કશું ક્યાં છે?

પૂરતો સમય હો પાસ ને શ્વાસો ય શેષ હો,
જીવી જવું તો હોય! બહાનું કશું ક્યાં છે?

: હિમલ પંડ્યા
ઘણી વેળાં ઘણાંયે વ્રણ નવી આશા જગાડે છે,
ભીતરથી ઊગતી સમજણ નવી આશા જગાડે છે.

નવાં બંધાય એ સગપણ નવી આશા જગાડે છે,
અને જે જાય છે એ જણ નવી આશા જગાડે છે.

બધે નમતું જ જોખીને ય ક્યાં સુખી થવાયું છે?
કદીક "એક બે ને સાડા ત્રણ" નવી આશા જગાડે છે.

કશું હિતકર હતું એમાં - એ અમને આજ સમજાયું!
જે તૂટે છે એ સપનું પણ નવી આશા જગાડે છે.

હવે બંધાઈ છે શ્રદ્ધા, ટકી રહેવાશે એનાથી,
શબદનું આટલું વળગણ નવી આશા જગાડે છે.

ગઝલ રળિયાત છે બેશક ચુનંદા શાયરોથી અહીં,
નવો જે ફાલ છે એ પણ નવી આશા જગાડે છે.

: હિમલ પંડ્યા
હવે અહીંથી પાછા જવું જોઈએ,
ચલો, સ્વપ્ન કોઈ નવું જોઈએ.

મળ્યું છે, તો કંઈ આપવું જોઈએ,
કશું એ રીતે પામવું જોઈએ.

કાં નફરતનું પલ્લું નમેલું રહે?
તમારે નવું ત્રાજવું જોઈએ.

ચરણ એકબીજાને કહેતાં હતાં
હવે આપણે થાકવું જોઈએ.
નજરની લિપિ ના ઉકેલી શક્યાં!
તમારે ફરી વાંચવું જોઈએ.

તને ભૂલવું સ્હેજ અઘરું તો છે,
અમારાથી એ પણ થવું જોઈએ.

: હિમલ પંડ્યા
ક્યાંક જોવા મળે નાચતી, કૂદતી,
તો વળી ક્યાંક એ ભાંગતી, તૂટતી.

ક્યાંક બીડાઈ જાતી કોઈ આંખમાં,
ક્યાંક એ કોઈની આંખમાં ખૂલતી.

કોઈની જિંદગીમાં ખૂટે શ્વાસ તો,
કોઈના શ્વાસમાં જિંદગી ખૂટતી.

સુખ સાથે જ એ દુ:ખને ઘૂંટતી,
સ્મિત આપી જતી, આંસુઓ ચૂંટતી.

એ તમાચો જડે ગાલ પર ને પછી,
હાથ માથા ઉપર હેતથી મૂકતી.

માનતો હોય તું કે ફૂંકી મારીએ,
સાવ બિન્દાસ થઈ એ તને ફૂંકતી.

: હિમલ પંડ્યા
આંખો નીચે કુંડાળાં છે,
જીવ્યાના એ સરવાળા છે.

ઉજવાયાં એ અજવાળાં છે,
ગાળ્યા એ પણ હેમાળા છે.

નજરો સઘળું કહેવા લાગી,
હોઠો ઉપર છો તાળાં છે.

એ કારણથી ટકી જવાયું,
બે સપનાં વચ્ચે ગાળા છે.

એને પીડા ક્યાં દેખાણી!
એની આંખે બેતાળા છે?

: હિમલ પંડ્યા

એમ ચારેકોર ચર્ચાઈ ગયો,
વાંક ન્હોતો પણ વગોવાઈ ગયો.


આપણો કહેવાતો એ સારો સમય,
ક્યાંક આડે હાથ મૂકાઈ ગયો.

જિંદગીભરનો કરેલો વાયદો,
એક સપનું થઈને સચવાઈ ગયો.

પીઠ પાછળ હાથ જે ફરતો હતો,
એક કપરી પળમાં પરખાઈ ગયો.

આપણી ભીતર વલોવાતો ડૂમો,
શબ્દના હોવાથી સચવાઈ ગયો.

પત્ર છો ને સાવ કોરો મોકલ્યો!
એમની આંખોમાં વંચાઈ ગયો.

જિંદગી! જીવવું તને ભારે પડ્યું,
હું અમસ્તો સાવ અંજાઈ ગયો.

શ્વાસ નામેરી હવાને સંઘરી,
દેહનો ફુગ્ગો ય ફૂલાઈ ગયો.

: હિમલ પંડ્યા
આજે થોડું મોડું થઈ ગયેલું
એનાથી ઊઠવામાં!
ટેન્ડર ખુલવાની તારીખ હતી આજ તો!

ફટાફટ ઉપરછલ્લું ન્હાઈને,
સૂટ-બૂટ ઠઠાડીને,
દોટ મૂકી મંદિર ભણી!

હાંફતો, પરસેવો લૂછતો
મંદિરના દરવાજે પહોંચ્યો!
ત્યાં જ એક હાથ લંબાયો...
દયાની અરજ સાથે. 

ગુસ્સો તો ઠલવાવાનો જ બાકી રહેલો!
"ચાલ, નીકળ અહીંથી...
 માગણ સાલી! શરમ નથી આવતી ભીખ માગતા??"

પેલી સ્તબ્ધ થઈને દૂર ખસી ગઈ!
પૂછી ન શકી....
"તંય હેં સાયબ! તમે આંય શું કરવા?"

: હિમલ પંડ્યા
મોજ હું આકાશે ઉડવાની માણું
દોરી કોને હાથ? કશું ના જાણું

કોણે બાંધ્યા કિન્ના, કોણે ટિચકી દઈ ઉડાડ્યા?
હવા માપસર આપી કોણે સ્થિર કરીને રાખ્યા?
હોઠ ઉપર મૂક્યું લહેરાતું ગાણું
મોજ હું આકાશે ઉડવાની માણું

શીખવી દીધું કોણે આવું થનગનતા રહેવાનું?
દોરીથી અળગાં થઈને પણ મોજેથી વહેવાનું!
જીવન પોતે જાણે અવસરટાણું
મોજ હું આકાશે ઉડવાની માણું

દોરી કોને હાથ? કશું ના જાણું
મોજ હું આકાશે ઉડવાની માણું

: હિમલ પંડ્યા