Friday, 27 January 2017

ક્યાં ગયાં એ વહાલના દિવસો?
ક્યાંથી આવ્યાં સવાલના દિવસો?

ભીતરે સંઘરીને બેઠો હું,
એક તારા ખયાલના દિવસો!

હાથથી છો ને સરકતા ચાલ્યા,
પણ હતા એ કમાલના દિવસો!

આજ જોઈ નિશાળ, યાદ આવ્યાં;
આપણાં એ ધમાલના દિવસો!

એમ કાયમ રહ્યા એ મારામાં;
હોય જાણે કે કાલના દિવસો!

:
હિમલ પંડ્યા
કશું ખૂટતું નથી તો યે કશું આપી જવાને આવ!
તું મારી જીંદગીમાં કોઈ ને કોઈ બહાને આવ!

મજાનું સ્વપ્ન થઈને પાંપણોકેરા બિછાને આવ!
તું મારી સંગ આખાયે ગગનને આંબવાને આવ!

બની જા ગીતનો લય કે ગઝલનો કોઈ મિસરો થા!
મૂકી રાખી છે મેં એ ડાયરીના પાને-પાને આવ!

છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,
જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ!

મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો!!
છતાં કલ્પી શકું છું હું તને પણ એ જ સ્થાને, આવ!

:
હિમલ પંડ્યા
શ્વાસો ટકાવવાના ધખારાથી દૂર ક્યાંક!
નીકળી જવું છે મારે મારાથી દૂર ક્યાંક!

કોઈનું કંઈ નથી તો હશે આપણું ય શું?
ચાલો ને જઈએ મારા-તમારાથી દૂર ક્યાંક!

ભાંગી પડાતું હોય છે એની વિદાયથી!
લઈ જા મને આ દૂર જનારાથી દૂર ક્યાંક!

લંબાવશે એ હાથ, ને મોં ફેરવી લેશે;
રહેવું સદાય એવા સહારાથી દૂર ક્યાંક!

અફળાયો ખૂબ, પણ પછી થાકીને આખરે;
દરિયો જતો રહ્યો છે કિનારાથી દૂર ક્યાંક!

મંઝિલ મજાની કોક મારી વાટમાં હશે!
પહોંચી જવાનું "પાર્થ" ઉતારાથી દૂર ક્યાંક!

:
હિમલ પંડ્યા "પાર્થ"
ડર હતો એ વખત કો'ક દિ આવશે;
શ્વાસ ખૂટશે અને જિંદગી આવશે!

ખોટ જેની હતી, ખોજ જેની રહી;
મારી સામગ્રીમાં એ જડી આવશે!

દોસ્તો જે ના ડોકાયા તકલીફમાં;
એ જનાજામાં જોજો મળી આવશે!

જેમને ભૂલવામાં ય સદીઓ વીતી;
જાણ ન્હોતી ફરી સાંભરી આવશે!

સાચવી ના શકાયું તો તૂટી ગયું!
સ્વપ્ન શણગાર્યું'તું એ ફરી આવશે?

:
હિમલ પંડ્યા