Monday, 12 June 2017

બસ, ઊગવાનું ને ઢળવાનું!
આપણે અંતે ઓગળવાનું!

તમે કહો છો ઝળહળ જેને;
એ તો છે કેવળ બળવાનું!

ઈચ્છાનો જો વેશ લીધો ત્યાં,
ભાગે આવ્યું ટળવળવાનું!

સુખની રોટી અેક ન પામો;
જીવતર ઓરીને દળવાનું!

એ ઈશ્વરની વાત જવા દો;
એને ફાવે છે છળવાનું! 

મોડું મોડું, પણ શીખી ગ્યા;
ભૂલી જાવાનું, ગળવાનું! 

શ્વાસના ધણને બુચકારી લ્યો!
ટાણું છે પાછા વળવાનું!

: હિમલ પંડ્યા
એક સોદો સાવ સસ્તો થઈ ગયો!
દિલ ધરી દીધું, ને રસ્તો થઈ ગયો! 

આંસુઓ ઝૂલ્યા'તા જ્યાં તોરણ બની,
એ જ ચ્હેરો આજ હસતો થઈ ગયો!

જો, સમય છિનવી જવા આવ્યો હતો;
પણ એ પળમાં હાથ ઘસતો થઈ ગયો!

ખૂબ હું ભટક્યો હતો, પણ આખરે-
એમના હૈયામાં વસતો થઈ ગયો! 

એમણે પૂછ્યું, થયો આ પ્રેમ કાં? 
મેં કહ્યું, એમ જ અમસ્તો થઈ ગયો!

: હિમલ પંડ્યા 
(ગઝલને પ્રાણવાયુ સાથે સરખાવનાર કવિ મનોજ ખંડેરિયાના સ્મરણ અને વંદન સાથે એક રચના)

મેં ઘણી વાર એ વિચાર્યું છે;
કે વિચારીને કોણ ફાવ્યું છે?

ક્યાં સમય પાસે કાંઈ માંગ્યું છે?
ભાગમાં આવ્યું એ સ્વીકાર્યું છે;

આંગળી ઝાલી કોઈની ચાલ્યા!
એટલે આટલે અવાયું છે;

દોસ્તોના ખભા મળ્યા એથી,
મન મૂકીને રડી શકાયું છે;

કાંકરા નાખતા રહ્યા લોકો!
તળ એ કારણથી ઊંચું આવ્યું છે;

આંકવું મૂલ્ય એનું રહેવા દો!
પોત છે શબ્દનું, સવાયું છે;

એ જીવાડે છે રોજ આપણને,
આ ગઝલ છે કે પ્રાણવાયુ છે?

દાદની બહુ અપેક્ષા ના રાખો;
આ બધું પહેલા પણ લખાયું છે.

: હિમલ પંડ્યા
એમ ચારેકોર ચર્ચાઈ ગયો,
વાંક ન્હોતો પણ વગોવાઈ ગયો!

આપણો કહેવાતો એ સારો સમય,
ક્યાંક આડે હાથ મૂકાઈ ગયો!

જીંદગીભરનો કરેલો વાયદો,
એક સપનું થઈને સચવાઈ ગયો!

પીઠ પાછળ હાથ જે ફરતો હતો,
એક કપરી પળમાં પરખાઈ ગયો!

જીંદગી! જીવવું તને ભારે પડ્યું!
હું અમસ્તો સાવ અંજાઈ ગયો;

શ્વાસ નામેરી હવાને સંઘરી,
દેહનો ફુગ્ગો ય ફૂલાઈ ગયો!

"પાર્થ" આ ભીતર વલોવાતો ડૂમો,
શબ્દના હોવાથી સચવાઈ ગયો!

: હિમલ પંડ્યા
આ દશા સાચું કહું? સ્હેજે ય પરવડતી નથી,
પીડ હોવાની હવે કેમે કરી ટળતી નથી;

એક દરિયાને બધી યે વાતમાં વાંધો પડે!
તંગ આવીને નદી એમાં હવે ભળતી નથી;

રેલના પાટા સમી બે જીંદગી દોડી રહી!
જોજનો કાપે, પરસ્પર કોઈ દિ' અડતી નથી;

એક ઈચ્છાને ખબર નહિ રોગ શો લાગુ પડ્યો!
છે પથારીવશ, હવે સ્હેજે ય સળવળતી નથી;

પાંપણોની પાર એક કૂવો હતો, ડૂકી ગયો!
આંખ સૂકાતી રહી કે હું? ખબર પડતી નથી;*

જીવવાનું હોય ત્યારે જીંદગી ઓછી પડે!
ને કરું જો આશ મરવાની, તો એ ફળતી નથી.

: હિમલ પંડ્યા 

* તરહી મિસરો : કવિ મનોજ ખંડેરિયા
વાત જાહેર ખાનગી થઈ ગઈ;
આંખ આ જ્યારથી નદી થઈ ગઈ!

ચાંપ સ્મરણોની સ્હેજ દાબી ત્યાં-
તો હૃદયમાંહે રોશની થઈ ગઈ;

એક પીડા હતી સદા સંગે,
તું મળી ને એ વેગળી થઈ ગઈ!

વારતા આ તમારી ને મારી,
આજ જોડાઈ, આપણી થઈ ગઈ!

એમ તેં પણ જતા જતા જોયું;
હા, હતી લાગણી, છતી થઈ ગઈ!

"પાર્થ" એવું તે શું ભળ્યું એમાં!
આ ગઝલ કાં ગળી-ગળી થઈ ગઈ?

: હિમલ પંડ્યા "પાર્થ"