Sunday, 19 November 2017

ક્યાં લગ જીવી જવાનું આમ જ ડરી ડરીને?
મુશ્કેલીઓથી, દુ:ખથી આઘે સરી સરીને;

સુખને બીજું ખપે શું? ધીરજ ને થોડી મહેનત,
એ આવવાનું તારી પાસે ફરી ફરીને;

હંમેશ આ જ કર્યુ, લીધું-ફગાવ્યું-તોડ્યું!
થાક્યા અમે ય એને આ દિલ ધરી ધરીને;

આંસુ-ઉદાસી-પીડા, આ શાયરી-કવિતા,
ચૂકવ્યું છે ઋણ પ્રણયનું, હપ્તા ભરી ભરીને;

સરખા છે આ સફરના શરુઆત-અંત બન્ને,
શું લઈ જવાનું આખર ભેગું કરી કરીને?

નીકળી જવાનું જોજો, હોવાપણું જ આખું,
બસ પોપડાની માફક થોડું ખરી ખરીને;

છે પોત સાવ નબળું આ શ્વાસનું જુઓ ને!
ફાટી જવાનું એ પણ અંતે જરી જરીને;

: હિમલ પંડ્યા 
ઉલમાંથી નીકળ્યા તો ચૂલમાં!
કેટલું ગુમાવવાનું ભૂલમાં?!

લાગણીથી કામ બસ, લીધા કર્યું,
નોતરી આફત બધી ફિજુલમાં;

જીન્દગીએ આખરે શીખવી દીધું!
આપણે શીખ્યા નથી જે સ્કૂલમાં;

માંહ્યલો ના માને એ કરતો નથી,
હું નથી પડતો બીજા ઉસૂલમાં;

વૈભવી વસવાટ જે ના દઈ શક્યો,
એ મજાઓ નીકળી તાંદુલમાં!

અેમ તું મારામહીં સામેલ છે,
જે રીતે સુગંધ છે આ ફૂલમાં.

: હિમલ પંડ્યા
જેવા છો એવા દેખાશો,
ચ્હેરા બદલી ક્યાં સંતાશો?

પરદો ઊઠે ને ભજવાશો,
પરદો પડશે, પાછા જાશો;

ઊલટથી જો આવ્યું છે તો,
ગીત કહો ને! ક્યારે ગાશો? 

જૂઠ્ઠાના સઘળા સંગાથી,
સાચું કહેશો તો દંડાશો;

જીવતરના અંધારે જીવણ!
ક્યાં લગ આમ જ ગોથાં ખાશો?

સૂરજ થાવું અઘરું છે તો,
દીવો થઈને સ્હેજ પ્રકાશો.

: હિમલ પંડ્યા

Sunday, 9 July 2017

મૂકો ને યાર! શું લેવા ખરલમાં દર્દને ઘૂંટો?
કે તમને દર્દ દેનારો જુઓ, આરામથી સૂતો!

નથી હોવાની દુનિયાને કદી પરવા તમારી કંઈ,
વહો જો લાગણીમાં, તો ભલે ભાંગો અને તૂટો!

તો સરખાવી શકાયું હોત કૌશલ્ય અમારું પણ;
તમે સાબૂત જો રહેવા દીધો હોતે આ અંગુઠો!

હવે એની જ ફરતે છેક લગ ફર્યે જવાનું છે,
મળ્યો છે માંડ આપણને ય ઈશ્વર નામનો ખૂંટો!

અલખના રંગે રંગાઈ ગઝલની ધૂણીએ બેઠાં;
શબદની છે ચલમ જો હાથમાં, તો મોજથી ફૂંકો!

: હિમલ પંડ્યા 
જાત વિશે એક અટકળ થાય છે,
છે કશું એવું જે ઝળહળ થાય છે;

પીડ ગોરંભાઈ છે ભીતર કશે,
લ્યો, મટીને આંખ, વાદળ થાય છે;

મોકળા મનથી જીવાતું હોય ક્યાંક.
ક્યાંક સંબંધો જ સાંકળ થાય છે;

કોઈને તારો કશો યે ખપ નથી!
તું અમસ્તો સાવ આગળ થાય છે;

રાતના આંસુ વહ્યા જે રાતભર,
એ સવારે રોજ ઝાકળ થાય છે;

આ ગઝલ, આ શબ્દ, આ કાગળ-કલમ!
આખરે તો એ જ અંજળ થાય છે.

: હિમલ પંડ્યા 
એકદમ નક્કર હકીકત છળ બને, એવું બને!
દર્દ પોતે પણ દુઃખોની કળ બને, એવું બને!

ક્યાં જવું? ક્યાં ના જવું?-ની ગડમથલ ચાલ્યા કરે,
એકતરફી લાગણી સાંકળ બને, એવું બને!

ક્યાંક સૂના રણની માફક યાદ કોઈ વિસ્તરે,
ક્યાંક ભીની આંખનું એ જળ બને, એવું બને!

જે જતનથી લાગણી રોપીને ઊછેરો તમે,
એ સબંધો પણ કદી બાવળ બને, એવું બને!

રાત, આખી રાત કોની યાદમાં રડતી હશે?
કે સવારે આંસુઓ ઝાકળ બને, એવું બને!

પીઠ પાછળ હાથ સધિયારાનો ફરતો હોય તો,
કો'ક દિ એ જીવવાનું બળ બને, એવું બને!

બે ઘડી રોકાઈને આંસુ લૂછી જો કોઈના,
જીવવું તારું પછી ઝળહળ બને, એવું બને!

હાથમાં લઈને  કલમ, ઈશ્વર ગઝલ લખવા ચહે,
છમ્મલીલી આ ધરા કાગળ બને, એવું બને!

'પાર્થ' ચારે ધામ જેવી જાતરા છે શબ્દની,
એ હવે બસ આપણું અંજળ બને, એવું બને!

: હિમલ પંડ્યા 'પાર્થ'

(1992-93માં સુરેન્દ્રનગર ખાતે મારા જીવનના સૌથી પહેલાં મુશાયરામાં ભાગ લીધેલો, ત્યારે આ "બને, એવું બને" રદીફ પરની એક મજાની ગઝલ કવિશ્રી ધૂની માંડલિયા Dhuni Mandaliyaના ઘાટ્ટા, ઘેરાં, ઘૂંટાયેલા અવાજમાં માણેલી ત્યારથી આ રદીફ મનમાં ઘર કરી ગયેલો. આજે એને એક ગમતો અંજામ આપી શકાયો)
સાવ પૂરી, સાવ આખી કોઈને મળતી નથી,
જીંદગી છે, જોઈ-ચાખી કોઈને મળતી નથી;

એને પોતાના ય થોડા અણગમાઓ હોય છ્ે,
એકસરખું હેત રાખી કોઈને મળતી નથી;

કો'ક દિ' એ દોડતી આવે અને ભેટી પડે!
કો'ક દિ' એ દ્વાર વાખી કોઈને મળતી નથી;

વ્યર્થ ઝાંવા નાખવાથી હાથ તારા લાગશે?!
એમ કેવળ હાથ નાખી કોઈને મળતી નથી;

રીસ છે, આ રીસ ઊતરવા સુધી તો રાહ જો!
એકધારી દાઝ રાખી કોઈને મળતી નથી;

તેં વિચારી હોય એનાથી જુદી એ નીકળે;
એટલે ભાવિને ભાખી કોઈને મળતી નથી.

: હિમલ પંડ્યા