Sunday, 19 November 2017

મને તું આપજે એકાદ કોઈ સ્થાન તારામાં,
પછી જો સર કરી લઉં કેટલાં સોપાન તારામાં;

બધું મળતું નથી માગ્યે, બધું જોતું નથી મારે,
હા, મારે વાવવું છે એક બસ અરમાન તારામાં;

જરા સમજાવ તારી આંખને, ના આમ ડારો દયે!
નથી મેં આદર્યું કોઈ નવું તોફાન તારામાં;

જડી આવે તને, તો સાચવીને આપજે પાછું,
ભૂલ્યો છું ક્યાંક હું મારું બધું યે ભાન તારામાં;

કદી એકાંતમાં મારા વિચારો લાવીને જોજે,
થવા લાગે છે કેવાં રંગ ને રોગાન તારામાં!

હવે બસ એક ઈચ્છા છે, ફળે તો પાડ ઈશ્વરનો,
હું પામું અસ્ત ને પામું પુન:ઉત્થાન તારામાં. 

: હિમલ પંડ્યા
સાવ નોખી છે હવા ચારે તરફ,
સૌ મથે છે ક્યાં જવા ચારે તરફ?

આમ ઊઘાડી તરસ લઈ ના ફરો,
ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ;*

એકધારા તોલશે ને માપશે,
લોક લઈને ત્રાજવાં ચારે તરફ;

આંધળા ભક્તોતણી છે ભીડ આ,
નીકળો ઈશ્વર થવા ચારે તરફ;

ભીતરે એ મોજથી બેઠો હશે!
દોટ જેને પામવા ચારે તરફ;

લાગણી લણવી છે? તો મંડી પડો,
લાગણીઓ વાવવા ચારે તરફ.

: હિમલ પંડ્યા 

(*તરહી મિસરો : સ્વ. ચિનુ મોદી)
કેમ પીડાનો કરવો તરજૂમો?
ભીતરમાં ક્યાંક સ્હેજ ખાલીપો ખખડે ત્યાં આંસુ ગંઠાઈ બને ડૂમો!
કેમ પીડાનો કરવો તરજૂમો?

ખિસ્સું આ પેલ્લેથી કાણું હશે તે અમે એક પછી અેક બધું ખોયું!
દર્પણની સામે તો ઊભા'તા એમ છતાં દર્પણ આ ખાલી કાં જોયું?
એકલતા દોડીને આવીને વળગી છે, સ્વીકારો, ભેટો ને ચૂમો!
કેમ પીડાનો કરવો તરજૂમો? 

રસ્તા વિચારોના વાળી લીધા ને મેલી પડતી આ સ્મરણોની કેડી,
સમજાવી-ધમકાવી થાળે પાડી'તી એ લાગણીને કોણે છંછેડી?
સપનાનું દ્વાર સાવ સજ્જડ વાખ્યંુ ને તો ય શાને આ પડઘાતી બૂમો?
કેમ પીડાનો કરવો તરજૂમો?

ભીતરમાં ક્યાંક સ્હેજ ખાલીપો ખખડે ત્યાં આંસુ ગંઠાઈ બને ડૂમો!
કેમ પીડાનો કરવો તરજૂમો?

: હિમલ પંડ્યા 
ક્યાંક જોવા મળે નાચતી, કૂદતી,
તો વળી ક્યાંક એ ભાંગતી, તૂટતી;

ક્યાંક બીડાઈ જાતી કોઈ આંખમાં,
ક્યાંક એ કોઈની આંખમાં ખૂલતી;

કોઈની જીંદગીમાં ખૂટે શ્વાસ તો,
કોઈના શ્વાસમાં જીંદગી ખૂટતી;

સુખ સાથે જ એ દુ:ખને ઘૂંટતી;
સ્મિત આપી જતી, આંસુઓ ચૂંટતી;

એ તમાચો જડે ગાલ પર ને પછી,
હાથ માથા ઉપર હેતથી મૂકતી;

માનતો હોય તું કે ફૂંકી મારીએ,
સાવ બિન્દાસ થઈ અે તને ફૂંકતી;

: હિમલ પંડ્યા
સરકી ગયેલ ક્ષણ બીજું તો શું દઈ શકે?
અવઢવભર્યું વલણ બીજું તો શું દઈ શકે?

વીત્યાતણો અફસોસ ને યાદો ઘણી બધી!
કોઈને બાળપણ બીજું તો શું દઈ શકે?

સપનું થઈને રોજ એ આવે, જતું રહે;
ગમતું કોઈક જણ બીજું તો શું દઈ શકે?

આંખોથી ઊભરાઈને વહેતો આ ખાલીપો!
યાદોનું સંક્રમણ બીજું તો શું દઈ શકે? 

સુવું પડે છે બાણની શય્યા ઉપર પછી,
લેવાઈ ગ્યેલું પ્રણ બીજું તો શું દઈ શકે?

સઘળી ઉપાધિઓ ને પછી સાવ સમાધિ!
જીવન અને મરણ બીજું તો શું દઈ શકે?

શબ્દો મળ્યા જો 'પાર્થ" તો જીવી ગયા તમે,
આ કાવ્યનું વળગણ બીજું તો શું દઈ શકે?

: હિમલ પંડ્યા
જે માનતો નથી એ કદી નહી કહી શકું,
સાવ જ અમસ્તી લાગણીમાં નહી વહી શકું;

સહુનો મળે ન પ્રેમ તો એ ચાલશે મને,
સહુ અવગણે મને તો હું એ નહી સહી શકું;

આ થાય, આ ન થાય, આ કરાય, ના કરાય;
તમને ગમે એ રીતથી તો નહી રહી શકું!

સાચું જો કહેવા જઇશ તો માર્યો જઈશ, ને-
ખોટું મરી જઈશ છતાં નહી કહી શકું!

આ બસ ખુમારી છે જે ટકાવી રહી મને;
એના વિના હું ક્યાંય ટકી નહી રહી શકું.

: હિમલ પંડ્યા

એ બધી યે વાતમાં ફાવ્યા કર્યા,
જેમણે ચહેરા સતત બદલ્યા કર્યા;

ઝાંઝવા જેવાં સુખો દેખાડીને,
જીંદગી આખી ય હંફાવ્યા કર્યા;

રોજ પિરસાતા રહ્યા માગ્યા વગર,
દર્દ એના એ પછી ભાવ્યા કર્યા;

એમની તસવીર જોઈને સૂતાં,
એમના સપનાં પછી આવ્યા કર્યા;

એક બેહદ કિંમતી પુસ્તક મળ્યું;
આપણે પાનાં જ ઉથલાવ્યા કર્યા!

હું જવાબો શોધવામાં રહી ગયો!
કોઈએ પ્રશ્નો જ ઉલટાવ્યા કર્યા.

: હિમલ પંડ્યા