Friday, 28 December 2018

સમંદર ગળી જાઉં એવું બને!
કાં પાછો વળી જાઉં એવું બને!

હું જાતે બળી જાઉં એવું બને!
અને ઝળહળી જાઉં એવું બને!

બધા શસ્ત્ર મારી કને હો છતાં-
હું ભયથી છળી જાઉં એવું બને!

છું આપત્તિ સામે અડીખમ ઉભો!
છતાંયે ચળી જાઉં એવું બને!

તને શોધવાની મથામણ મહીં,
મને હું મળી જાઉં એવું બને!

મળે હૂંફ જો તારા સાનિધ્યની;
તરત ઓગળી જાઉં એવું બને!

મને હું કશું કામ લાગ્યો નથી;
તને હું ફળી જાઉં એવું બને!

: હિમલ પંડ્યા
તમે જ્યાં જઈને પસ્તાયા, એ રસ્તે ના જશો પાછા,
નથી ત્યાં કોઈ પણ ફાવ્યા, એ રસ્તે ના જશો પાછા.

ઘણાયે ચાંદ-તારાઓ તમે જોયા ને દેખાડ્યા!
ક્યાં એકે હાથમાં આવ્યા? એ રસ્તે ના જશો પાછા.

તમારા કાનમાં એ ઝેર કેવળ ઘોળશે નક્કી,
નથી અત્તરના એ ફાયાં, એ રસ્તે ના જશો પાછા.

હુલાવી પીઠમાં ખંજર, મૂકીને દોટ ભાગ્યા’તા,
હશે એ ક્યાંક સંતાયા, એ રસ્તે ના જશો પાછા.

ઘણાંને આંગળી ચિંધી, ઘણાં રસ્તા બતાવ્યા પણ-
પછી જાતે જ અટવાયા, એ રસ્તે ના જશો પાછા.

મજાનો એક માણસ ભીતરેથી માંડ જડ્યો છે,
હવે ખુદની મૂકી માયા એ રસ્તે ના જશો પાછા.

: હિમલ પંડ્યા 
કોઈ આવીને ઊકળતા શ્વાસને ઠારી ગયું!
જીવતા તાર્યો નહિ પણ લાશને તારી ગયું!

કોણ જાણે આટલી શાને ઉતાવળ આદરી?!
તું હૃદય વહેલું બધા કામોથી પરવારી ગયું!

ચાર દિવસ જીવવાનું છે જ એવા વ્હેમમાં,
બે દિવસ ચાલી રમત ત્યાં તો જીવન હારી ગયું! 

હાથમાં મારા હતું સુકાન તો છેવટ સુધી,
તો ય જાણે કેમ કોઈ નાવ હંકારી ગયું!

જે કશું મારામહીં મારું હતું એ ક્યાં રહ્યું?
કો' દિલાસો દઈ ગયું, કો' આંસુઓ સારી ગયું!

હું કલમને હાથમાં લઈ સાવ બસ બેઠો હતો;
કોણ આ કાગળ ઉપરનું શિલ્પ કંડારી ગયું!?

: હિમલ પંડ્યા
ઊડતા રહો છો શાને તમે આટલા હવામાં?
નહીં વાર લાગે સ્હેજે સાચે ઊડી જવામાં.

કૈં કેટલાં યે થોથાં ઊથલાવતા ફરો છો!
ઊણાં જ ઊતર્યા છો બે આંખ વાંચવામાં.

દેખાતું હોય છે એ હોતું નથી હંમેશા,
એથી જ ચૂક થાતી માણસને માપવામાં.

ધીરજથી કામ લઈએ, ગમતું જ સહુને કહીએ,
ગુમાવતા બધુંયે બહુ આકરા થવામાં.

જીવાડી ક્યાં શકે છે? મરવા ય નથી દેતી!
એવું તે શું ભળ્યું છે આ આપણી દવામાં?

લ્યો, તકલીફોની સામે આબાદ હું ટક્યો છું,
ખોટા પડ્યા છે તેઓ ભાવિને ભાખવામાં!

હિંમતથી રાત કાળી આખ્ખી અમે વિતાવી,
ક્યાં વાર છે હવે તો ભળભાંખળું થવામાં?!

: હિમલ પંડ્યા
ઈચ્છાઓ થઈ છે બળવત્તર,
સપનાંઓએ ફાડી પત્તર

તમે તેરની વાત કરો છો,
પણ અહીંયા તૂટે છે સત્તર

ઘર તો ખેર, ઘણું નાનું છે;
પણ માથે છે મોટું છત્તર

સાવ બ્હારનું પૂછાયું છે,
બોલ, શું દેવો આનો ઉત્તર?

મારી ગઝલો જોઈ એ બોલ્યા!
ઉકરડે છાંટ્યું છે અત્તર

કલમ ભરોસો રાખી બેઠી!
नाम करेगा मेरा पुत्तर.

: હિમલ પંડ્યા 
જેમ ઘૂઘવતો દરિયો જુએ વાટ નદીની એમ
ચાલ ને કરીએ પ્રેમ!

આંખોને હરખાઈ જવાનું કારણ કોઈ દઈએ,
સદીઓના એકાંતને આજે મારણ કોઈ દઈએ,
અંધારા ખૂણે અજવાળું પાથરે સૂરજ જેમ
ચાલને કરીએ પ્રેમ!

સાથ આપણો દેશે મબલખ યાદોની સોગાતો,
આરંભાશે એમ પછી તો અંત વગરની વાતો,
હૈયામાંથી જાણે પ્રકટે સઘળું હેમ જ હેમ
ચાલને કરીએ પ્રેમ! 

જેમ ઘૂઘવતો દરિયો જુએ વાટ નદીની એમ
ચાલ ને કરીએ પ્રેમ!

: હિમલ પંડ્યા
એકધારું આગમાં તપવું પડે!
એ પછી ઓ દોસ્ત! આ સપનું ફળે.

એકસરખો લાલ રંગ સ્વીકારીએ,
તો જ કૈં લીલું ને કૈં ભગવું જડે.

ના, કદમબોશી ન ફાવી કોઈની,
લોહી એથી આપણું હલકું ઠરે.

તું ય જે મનમાં છે એ કહીને જજે,
મેં ઊતાર્યું છે ઘણું કડવું ગળે.

કંઈ નથી જો હાથમાં, તો હાથમાં-
શું હશે કે જે સતત નડતું રહે? 

જિંદગીમાં એમ એ આવી ગયા!
ડૂબવાના હો અને તરણું મળે.

ભાગ્યમાં એના સદા બરકત રહી 
બસ, કવિતાઓથી જે ગજવું ભરે.

: હિમલ પંડ્યા