Wednesday, 22 July 2020

ઘણી વેળાં ઘણાંયે વ્રણ નવી આશા જગાડે છે,
ભીતરથી ઊગતી સમજણ નવી આશા જગાડે છે.

નવાં બંધાય એ સગપણ નવી આશા જગાડે છે,
અને જે જાય છે એ જણ નવી આશા જગાડે છે.

બધે નમતું જ જોખીને ય ક્યાં સુખી થવાયું છે?
કદીક "એક બે ને સાડા ત્રણ" નવી આશા જગાડે છે.

કશું હિતકર હતું એમાં - એ અમને આજ સમજાયું!
જે તૂટે છે એ સપનું પણ નવી આશા જગાડે છે.

હવે બંધાઈ છે શ્રદ્ધા, ટકી રહેવાશે એનાથી,
શબદનું આટલું વળગણ નવી આશા જગાડે છે.

ગઝલ રળિયાત છે બેશક ચુનંદા શાયરોથી અહીં,
નવો જે ફાલ છે એ પણ નવી આશા જગાડે છે.

: હિમલ પંડ્યા
હવે અહીંથી પાછા જવું જોઈએ,
ચલો, સ્વપ્ન કોઈ નવું જોઈએ.

મળ્યું છે, તો કંઈ આપવું જોઈએ,
કશું એ રીતે પામવું જોઈએ.

કાં નફરતનું પલ્લું નમેલું રહે?
તમારે નવું ત્રાજવું જોઈએ.

ચરણ એકબીજાને કહેતાં હતાં
હવે આપણે થાકવું જોઈએ.
નજરની લિપિ ના ઉકેલી શક્યાં!
તમારે ફરી વાંચવું જોઈએ.

તને ભૂલવું સ્હેજ અઘરું તો છે,
અમારાથી એ પણ થવું જોઈએ.

: હિમલ પંડ્યા
ક્યાંક જોવા મળે નાચતી, કૂદતી,
તો વળી ક્યાંક એ ભાંગતી, તૂટતી.

ક્યાંક બીડાઈ જાતી કોઈ આંખમાં,
ક્યાંક એ કોઈની આંખમાં ખૂલતી.

કોઈની જિંદગીમાં ખૂટે શ્વાસ તો,
કોઈના શ્વાસમાં જિંદગી ખૂટતી.

સુખ સાથે જ એ દુ:ખને ઘૂંટતી,
સ્મિત આપી જતી, આંસુઓ ચૂંટતી.

એ તમાચો જડે ગાલ પર ને પછી,
હાથ માથા ઉપર હેતથી મૂકતી.

માનતો હોય તું કે ફૂંકી મારીએ,
સાવ બિન્દાસ થઈ એ તને ફૂંકતી.

: હિમલ પંડ્યા
આંખો નીચે કુંડાળાં છે,
જીવ્યાના એ સરવાળા છે.

ઉજવાયાં એ અજવાળાં છે,
ગાળ્યા એ પણ હેમાળા છે.

નજરો સઘળું કહેવા લાગી,
હોઠો ઉપર છો તાળાં છે.

એ કારણથી ટકી જવાયું,
બે સપનાં વચ્ચે ગાળા છે.

એને પીડા ક્યાં દેખાણી!
એની આંખે બેતાળા છે?

: હિમલ પંડ્યા

એમ ચારેકોર ચર્ચાઈ ગયો,
વાંક ન્હોતો પણ વગોવાઈ ગયો.


આપણો કહેવાતો એ સારો સમય,
ક્યાંક આડે હાથ મૂકાઈ ગયો.

જિંદગીભરનો કરેલો વાયદો,
એક સપનું થઈને સચવાઈ ગયો.

પીઠ પાછળ હાથ જે ફરતો હતો,
એક કપરી પળમાં પરખાઈ ગયો.

આપણી ભીતર વલોવાતો ડૂમો,
શબ્દના હોવાથી સચવાઈ ગયો.

પત્ર છો ને સાવ કોરો મોકલ્યો!
એમની આંખોમાં વંચાઈ ગયો.

જિંદગી! જીવવું તને ભારે પડ્યું,
હું અમસ્તો સાવ અંજાઈ ગયો.

શ્વાસ નામેરી હવાને સંઘરી,
દેહનો ફુગ્ગો ય ફૂલાઈ ગયો.

: હિમલ પંડ્યા
આજે થોડું મોડું થઈ ગયેલું
એનાથી ઊઠવામાં!
ટેન્ડર ખુલવાની તારીખ હતી આજ તો!

ફટાફટ ઉપરછલ્લું ન્હાઈને,
સૂટ-બૂટ ઠઠાડીને,
દોટ મૂકી મંદિર ભણી!

હાંફતો, પરસેવો લૂછતો
મંદિરના દરવાજે પહોંચ્યો!
ત્યાં જ એક હાથ લંબાયો...
દયાની અરજ સાથે. 

ગુસ્સો તો ઠલવાવાનો જ બાકી રહેલો!
"ચાલ, નીકળ અહીંથી...
 માગણ સાલી! શરમ નથી આવતી ભીખ માગતા??"

પેલી સ્તબ્ધ થઈને દૂર ખસી ગઈ!
પૂછી ન શકી....
"તંય હેં સાયબ! તમે આંય શું કરવા?"

: હિમલ પંડ્યા
મોજ હું આકાશે ઉડવાની માણું
દોરી કોને હાથ? કશું ના જાણું

કોણે બાંધ્યા કિન્ના, કોણે ટિચકી દઈ ઉડાડ્યા?
હવા માપસર આપી કોણે સ્થિર કરીને રાખ્યા?
હોઠ ઉપર મૂક્યું લહેરાતું ગાણું
મોજ હું આકાશે ઉડવાની માણું

શીખવી દીધું કોણે આવું થનગનતા રહેવાનું?
દોરીથી અળગાં થઈને પણ મોજેથી વહેવાનું!
જીવન પોતે જાણે અવસરટાણું
મોજ હું આકાશે ઉડવાની માણું

દોરી કોને હાથ? કશું ના જાણું
મોજ હું આકાશે ઉડવાની માણું

: હિમલ પંડ્યા