Friday, 27 January 2017

દર્દ એ રીતે દિલમાં ઊતારી લીધું,
એ ય હમદર્દ છે એમ ધારી લીધું;

અેકધારી, અનિમેષ જોઈ તને,
મન ભરાયું છતાં મનને મારી લીધું;

સ્મિત હોઠોનું એ ભેદ ખોલી ગયું!
કૈંક તેં પણ મનોમન વિચારી લીધું;

છે કવિતાઓ લખનારા પાગલ બધા,
એક તારણ હતું, જે સ્વીકારી લીધું.

:
હિમલ પંડ્યા
એકાદ એવી વાતમાં આ વાત થઈ હશે,
હળવી મજાક આપણી આઘાત થઈ હશે;

ત્યારે હૃદયને કામ ખરું સાંપડ્યું હશે,
*
જ્યારે પ્રણયની જગમાં શરુઆત થઈ હશે;*

ધરતી-ગગન ક્ષિતિજ પર આલિંગતા રહ્યા!
એકાંત એને આપવા આ રાત થઈ હશે;

દરિયા કિનારો, રેત, તમારું સ્મરણ ને હું-
કેવી અનોખી એ ય મુલાકાત થઈ હશે!

કહેવું પડ્યું તમારે - નથી હું ભૂલી શકી!
મારા દરદ-પીડાની વસૂલાત થઈ હશે;

ખોલ્યો જરાક ચોપડો જ્યાં લેણ-દેણનો,
કોઈ નહિ તો સામે ખુદ આ જાત થઈ હશે!

:
હિમલ પંડ્યા

(
કવિશ્રી આદિલ મન્સૂરીની ખ્યાતનામ પંક્તિ પરથી લખાયેલી તરહી ગઝલ)


વારવું પણ પડે!
ડારવું પણ પડે!

મનતણું માંકડું
મારવું પણ પડે!

અશ્રુ તો આવશે
સારવું પણ પડે!

ભીતરે હો અગન
ઠારવું પણ પડે!

પામવા બાજીને
ધારવું પણ પડે!

જીતવાને કદી
હારવું પણ પડે!

:
હિમલ પંડ્યા
ઊડવા આકાશ આપો છો તમે!
પણ એ પ્હેલાં પાંખ કાપો છો તમે!

સાવ કેવો ભેદ રાખો છો તમે!
ટહૂકાઓને કેદ રાખો છો તમે!

ક્યાં ગળે કોઈ વાત બાંધો છો તમે?
બસ, તૂટે ત્યારે જ સાંધો છો તમે!

સાવ ખોટી વાત ધારો છો તમે!
આંસુઓ એમાં જ સારો છો તમે!

એટલે હંમેશ ફાવો છો તમે!
રોઈ-કકળીને મનાવો છો તમે!

આટલું યે ક્યારે માનો છો તમે?
જીવવા કાજે ખજાનો છો તમે!

:
હિમલ પંડ્યા
(કવિ શ્રી રમેશ પારેખના મિસરા પરથી લખાયેલી તરહી રચના)

*
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહિ!*
સપનાને હકીકતના રસ્તે અથડાવી દે, કહેવાય નહિ!

એવું ય બને કે રોજિંદી ઘટમાળમહીં સપડાવી દે,
એવું ય બને, પ્રશ્નો સઘળા સુલજાવી દે, કહેવાય નહિ!

એ સહન કરી લેશે તારા સહુ આરોપો, સઘળો ગુસ્સો,
ન્ પછી રોકડું મોઢા પર પરખાવી દે, કહેવાય નહિ!

માણસ વચ્ચે, માણસ માટે, માણસ ક્યારે માણસ થાશે?
માણસ નામેે માણસ જેવું ઉપજાવી દે, કહેવાય નહિ!

શ્વાસે શ્વાસે આગળ વધતા પ્રકરણ જેવું છે જીવન આ,
કાગળ પર પૂર્ણવિરામ કોઈ ટપકાવી દે, કહેવાય નહિ!

:
હિમલ પંડ્યા