Monday 11 April 2016

મન્થલી હેલ્થ અપડેટ - 2

ફેસબુક પર સીધા આવવાને બદલે આ "વાયા બ્લોગ" વાળો રસ્તો ફાવતો જાય છે ...... CIMS માં થી ડીસ્ચાર્જ થઈને ઘેર આવ્યાને આજે બરાબર એક મહિનો થઇ ગયો. મહિનામાં 3 વખત અનિયમિત ધબકારાઓએ એનો પરચો બતાવ્યો અને છાતીમાં બેસાડેલા મશીને એની કમાલ પણ બતાવી! :).... સરવાળે કુશળ છું, ચિંતાના કોઈ કારણ વિના.

એક મહિનામાં ઘણાં સ્વજનો-મિત્રો-પરિવારો આવીને મળી ગયાં. થોડાક હજુ કદાચ ત્રસ્ત અને વ્યસ્ત હશે એમ માનું છું, :) આમ પણ, "મશરૂફ જમાના મેરે લિયે કયું વક્ત અપના બરબાદ કરે?".....એટલા ઉધામા કર્યા છે કે હવે સમય પસાર કરવો ભારે પડે છે. મોબાઈલ અને ડ્રાઈવિંગ બંનેથી દૂર રહેવાનું! ટીવી ય કેટલુંક જોયા કરવું?...અત્યારે ખબર પડી કે ટીવી ચેનલો કેટલું બધું રીપીટ કર્યા રાખતી હોય છે...અને મારે તો હવે જુનું કશું રીપીટ કરવાની ઈચ્છા નથી. હવે થોડુંક પોતાના માટે, પરિવાર માટે જીવી લેવું છે, ગુસ્સા ને અણગમાને માઈલો દૂર ભગાવવા છે, દરેકને એની ક્ષમતા અને એની નબળાઈઓ સાથે સહર્ષ સ્વીકારી લેવા છે....હા, માનો તો બુશકોટના બટનમાં ય ભગવાન હોય એમ માનીને સામેથી મંદિરે ન જતો હું દિવસમાં બે વાર ફરજીયાત દર્શને જતો થઇ ગયો એ આખી ઘટનાનું સહુથી સુંદરતમ પરિણામ છે.… "દિવાર"ના બચ્ચનની માફક રોજ એને પૂછી લેવાનું મન પણ થાય કે "આજ ખુશ તો બહોત હોંગે તુમ!"......પણ પછી પાછી બીક લાગે! :) :) 

આ મહિના દરમ્યાન જાણવા મળ્યું કે સ્વજનો-મિત્રો-પાડોશીઓ-વિદ્યાર્થીઓ કેટકેટલી માનતા-બાધા-આખડી રાખીને બેઠેલાં! આ બધી પ્રેમ અને લાગણીની દોલતનો અહેસાસ કરું છું ત્યારે કદાચ દુનિયામાં સહુથી સંપતિવાન હોવાનો ગર્વ અનુભવું છું. દરેક સુધી વ્યક્તિગત પહોચવું સંભવ નથી ત્યારે આ માધ્યમથી એ સહુની લાગણીને વંદન કરું છું...આ સંવેદનાઓએ જ કદાચ મને નવજીવન અપાવ્યું છે, એ સંવેદનાઓ મારા અને મારા પરિવાર માટે સદૈવ રહે એવી પ્રાર્થના છે. 

ધીમે-ધીમે ઓફીસ જવાનું ચાલુ કર્યું છે ....સહકર્મચારીઓ ખુબ જતનથી મારી સંભાળ લઇ રહ્યા છે અને સુવિધાઓ જાળવી રહ્યા છે. આ બધી કિંમત કદાચ આ કટોકટીભરી સ્થિતિ સર્જાઈ ન હોત તો સમજાઈ ન હોત! એ સહુનો ય ખાસ આભાર. 

હા, સમય સાચે જ પસાર નથી થતો ....કોઈ આવતું રહે તો ગમતું રહે.... અને ગમતું કોઈ આવતું રહે એવી આશા રહ્યા કરે! બંને દીકરાઓ યાદ આવ્યા કરે, પણ એક અભ્યાસમાં મસ્ત છે ને બીજો વેકેશનમાં વ્યસ્ત છે. અત્યારે તો હૂતો-હૂતી એકલા છીએ.....25 વરસ પહેલા જે આંખોમાં જોતાં-જોતાં કલાકો પસાર થઇ જતા એમ પાછું થવા લાગે એવા પૂરા સંજોગો છે, આભાર ઈશ્વર!

No comments:

Post a Comment