Wednesday 20 November 2019

એક સપનું આંખમાં ઉગાડતા વર્ષો થયાં
ને પછી એને જ પાછું દાટતા વર્ષો થયાં

આંસુઓ, અવહેલના, પીડા, ઉદાસી ને વ્યથા
એ જ રસ્તે એકધારું ચાલતા વર્ષો થયાં

જિંદગીને શર્ત વિના ચાહવાની હોય છે,
આટલી સમજણ ને ડહાપણ આવતા વર્ષો થયાં

એમણે પૂછ્યું, હું તારી જિંદગીમાં હોત તો?
કેમ કહેવું એમને? કે - ધારતા વર્ષો થયાં

માછલીની આંખ તો પળવારમાં વિંધી અમે;
ત્રાજવે ઊભા રહીને તાકતા વર્ષો થયાં!

: હિમલ પંડ્યા
જામ છે સામે છલોછલ, પી જતા ના આવડ્યું!
એમના થઈને ય એના થઈ જતા ના આવડ્યું!

એક એવી આગ દિલમાં એ રીતે ફેલાઈ ગઈ,
ઠારતા ના આવડ્યું, સળગી જતા ના આવડ્યું!

અધવચાળે જે કોઈ અટકી ગયા, સુખી થયા;
ને તમોને ઓ ચરણ! થાકી જતા ના આવડ્યું!

હું પરાણે સામટી અવહેલના સહેતો રહ્યો,
દોસ્તની મહેફીલ હતી, ઊઠી જતા ના આવડ્યું!

છેવટે તો આટલું તારણ અમે કાઢી શક્યાં,
જીવતા તો આવડ્યું, જીવી જતા ના આવડ્યું!

મોત પણ છેટું રહ્યું એ એક કારણથી જ ‘પાર્થ”!
બસ, સમયસર શ્વાસને છટકી જતા ના આવડ્યું.

: હિમલ પંડ્યા
આપણે સમજી શક્યા ના, શું હતું?
એમના હૈયામાં કંઈ બીજું હતું!

એટલે ના વાર લાગી તૂટતા,
આ હૃદય શરુઆતથી ઋજુ હતું;

ખેદ એનો છે, મને ના આવડ્યું!
બેવફાઈનું ગણિત સીધું હતું;

'તું કશું યે સાચવી શક્તો નથી';
યાદ આવ્યું, એમણે કીધું હતું!

ખૂબ જાણીતી ક્ષણો પાછી ફરી!
પણ હવે એમાં કોઈ ત્રીજું હતું;

કૈંક તો છેવટ સુધી ખૂટતું રહ્યું!
માનતો'તો હું, બધું પૂરું હતું!

: હિમલ પંડ્યા
આંખમાં એકાદ સપનું વાવીએ
ને પછીથી પાંખને ફેલાવીએ

એક બસ તારી નજરમાં આવીએ
એ રીતે તકદીરને અજમાવીએ

કોઈ બીજી રીતથી નહીં ફાવીએ
તું કહે તો શેર બે ફરમાવીએ

આંગણે તોરણ ફરી જોયું હશે!
આંસુઓ પૂછી રહ્યા છે - આવીએ?

એ તો કયે, ગઝલો મૂકો બીજું લખો
એમ કંઇ થોડો ધરમ વટલાવીએ?

ટોચ પર છો પહોંચવું કપરું હશે
સ્હેજ નોખી છાપ તો ઉપસાવીએ

: હિમલ પંડ્યા
૦૪-૧૧-૨૦૧૯
હૃદય લઈને આવ્યા છો, તમને ખબર છે?
આ સંવેદનાઓ વગરનું નગર છે.

બહુ લાગણીની અપેક્ષા ન રાખો!
અહીં દુનિયાદારીની ઝાઝી અસર છે.

તમે જેને ઈશ્વર ગણી પૂજતા 'તા!
એ પથ્થર થયો છે, ન એને કદર છે.

અમે પણ જુઓ, છેક આવીને ઊભા!
સતત લાગતુ'તું અજાણી સફર છે.

સમી સાંજ, દરિયો અને રેત-ચિત્રો;
બધું છે, પરંતુ તમારા વગર છે.

તમે શબ્દનો સાથ છોડી ન દેશો!
અવિનાશી છે એ, અજર છે, અમર છે.


અહીં જિંદગીનો ભરોસો નથી કંઈ
અને મોતનું આવવાનું અફર છે.
 
: હિમલ પંડ્યા