Friday, 15 December 2017

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઇનામ લઈને આવ મા;  

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા; 

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર 'શ્રી રામ' કે 'ઇસ્લામ' લઈને આવ મા; 

જિંદગી આખી વિતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;    

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો;
દોસ્ત! અત્યારે છલકતું જામ લઈને આવ મા;  

: હિમલ પંડ્યા
બસ, તમારી હામાં હા રાખી હતી!
ક્યારે દુનિયાની તમા રાખી હતી?

દર્દ મળવાનું હતું સંબંધમાં,
એમ સમજીને દવા રાખી હતી;

એમણે ઉમ્મીદ ઉધારી દીધી!
આપણે ધીરજ જમા રાખી હતી;

હોઠ ઉપર સ્મિત છો પ્હેરી લીધું!
આખમાં તો યે વ્યથા રાખી હતી;

એક દીવો એટલે બળતો રહ્યો,
શ્વાસના નામે હવા રાખી હતી;

આજીવન એ એકલો જીવ્યો હતો,
માનમાં જેના સભા રાખી હતી;

: હિમલ પંડ્યા
એમ સઘળું થ્યા કરે છે,
હાથ આવે, ગ્યા કરે છે;

આંસુઓ ટપકી પડે છે,
દિલ ઈશારો જ્યાં કરે છે;

એ ગયાં છે એટલે ત્યાં,
દર્દ થોડું રયા કરે છે;

શ્વાસને ઝાલ્યા કરે છે!
કેમ આવું લ્યા, કરે છે?

જિંદગીને છે રીસાવું,
તું ય ચાળો ક્યાં કરે છે! 

દેહનો વળગાડ છૂટે,
કોઈ વિધિ ત્યાં કરે છે. 

: હિમલ પંડ્યા 
મોહ સઘળો મૂકવાનો હોય છે,
શ્વાસ જ્યારે છૂટવાનો હોય છે;

રોજ છો મોઢે લગાડીને પીઓ,
જામ આખર ખૂટવાનો હોય છે;

જે ઘડી ઊંચાઈને પામો તમે,
એ વખત બસ, ઝૂકવાનો હોય છે;

આ તરફ એ જોઈ લેશે ભૂલથી,
એ ય લ્હાવો લૂંટવાનો હોય છે;

હા, ભરોસો છે મને એ વાત પર,
કે ભરોસો તૂટવાનો હોય છે;

કાફિયાઓથી ભર્યો હુક્કો ગઝલ!
મોજથી એ ફૂંકવાનો હોય છે.

: હિમલ પંડ્યા   
આ બધી ઈચ્છાના કોઠા કેવી રીતે ભેદવા?
કેમ આ આવી ચૂકેલા સ્વપ્ન પાછા ઠેલવા?

સાંભળ્યું છે એ જ પહેલા ચીર પણ પૂરતો હતો,
રોજ આપે છે નવી પીડા મને જે પ્હેરવા;

એક દિ' એને દયા તો આવશે ને આપણી!
ત્યાં સુધી તકદીરના સઘળા સિતમને વેઠવા;

સળવળે છે રોજ થોડું, કોક દિ' બેઠો થશે!
આપણાં સંબંધને લાગુ પડી રહી છે દવા;

આપણું પહેલું મિલન આજે ય ભૂલાયું નથી,
એ વખતના સ્પર્શને ઝંખી રહ્યા છે ટેરવાં!

: હિમલ પંડ્યા
માર્ગ ભુલેલાંને માટે આંગળી ચિંધનાર છું,
હામ જે હારી ગયા છે એમનો આધાર છું;

સાવ નાની વાતમાંથી થઇ જતી તકરાર છું,
ને પછી ખુલ્લા હૃદયથી ભૂલનો સ્વીકાર છું;

આમ તો હંમેશ રાખું ધ્યાન હું તારું છતાં,
કોણ જાણે કેમ ખુદ પ્રત્યે હું બેદરકાર છું;

રોજ હું આવીશ તારા ઉંબરા સુધી સનમ!
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

ખાતરી ના થાય તો જાતે હૃદયને પૂછજે,
એક મીઠું દર્દ છું હું, દર્દનો ઉપચાર છું;

તું ભલે ને વેદનાનો રોજ સરવાળો કરે,
હું જ સઘળી પીડનો નિશેષ ભાગાકાર છું;

જિંદગી તારી ભલે ને વારતા જેવી રહી,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું;

"પાર્થ" એ પરવાહ કોને - શું થશે? ક્યારે થશે?
ખુદ સૌ ઘટનાઓનો આગોતરો અણસાર છું.

: હિમલ પંડ્યા "પાર્થ"

ક્યાંથી આ આવીને ઊભી આપણી વચ્ચેની ભીંત?
સાવ છૂપી, તો ય સામી આપણી વચ્ચેની ભીંત!

બેય બાજુથી એ બન્નેને સતત ડસતી રહે,
થાય તગડી લોહી ચૂસી આપણી વચ્ચેની ભીંત!

લો સહારો કેટલાં પોકળ સમાધાનોતણો!
તો ય પાછી ઉગવાની આપણી વચ્ચેની ભીંત!

રોજ લાગે - આજ એ નક્કી તૂટી જાશે, અને
રોજ થોડી થાય ઊંચી આપણી વચ્ચેની ભીંત!

અણગમાથી, રીસથી, અળગાપણાથી છે બની,
એમ થોડી ભાંગવાની આપણી વચ્ચેની ભીંત!

એક જો સમજણની બારી ક્યાંક એમાં રોપીએ,
થઈ જશે સાવ જ નકામી આપણી વચ્ચેની ભીંત!

: હિમલ પંડ્યા