Sunday 1 July 2018

અર્થના કુંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.

જે ખરેખર બ્હારથી દેખાય છે,
એ કશે ના હોય છે, ના થાય છે.

તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશા થાય છે.

કોણ જાણે શું હવે દઈને જશે?
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે.

આંસુઓએ બેધડક પૂછી લીધું!
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?

બહુ ભરોસો રાખશો ના વાત પર,
જિંદગી નામે અહીં અફવા ય છે. 

આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે.

હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.

: હિમલ પંડ્યા
એની સામે જોવાયું છે,
બળતામાં ઘી હોમાયું છે

એક દિ’ હૈયામાં ય ઊતરશું,
આંખો સુધી પહોંચાયું છે

એ સપનાની વાત કરો મા,
એ સપનું ક્યાં ડોકાયું છે?

ડૂમો અટકી જાય ખરો, પણ
આંસુ ક્યારે રોકાયું છે?

એમ નહીં દિલ હાથમાં આવે,
ત્યાં શોધો જ્યાં ખોવાયું છે

: હિમલ પંડ્યા 
ઊભા થાવાનું છે, લડવાનું છે ભૈ!
પછી શોધો છો એ જડવાનું છે ભૈ!

કહો સંતાડવાથી શું થવાનું?
એ આવ્યું છે જ તો દડવાનું છે ભૈ!

મળ્યું છે ભાગ્ય પોતીકું બધાને,
અને જાતે જ એ ઘડવાનું છે ભૈ!

બધીયે વાહવાહી નામની છે,
ચણાના ઝાડ પર ચડવાનું છે ભૈ! 

સહારો થઈ શકો તો થઈ બતાવો,
નડ્યા કરવાથી તો નડવાનું છે ભૈ!

સમય ચાલ્યો ગયો એ આવશે નહીં,
સમય આવી ગયે ખડવાનું છે ભૈ!

: હિમલ પંડ્યા 
કેટલું યે સંઘરી બેઠો છે એ,
સાવ મોંમાં મગ ભરી બેઠો છે એ

જેટલા દાવા કર્યા, પોકળ ઠર્યા,
વાયદા આપી ફરી બેઠો છે એ

આમ છો પત્થર બની સામે બિરાજે,
તો ય સંઘળે સંચરી બેઠો છે એ

કોઈએ માગી લીધું'તું દિલ જરાક,
જિંદગી આખી ધરી બેઠો છે એ

પીડ શાયરની ય નોખી હોય છે,
દર્દમાંથી અવતરી બેઠો છે એ

શબ્દનો કેવળ સહારો છે છતાં,
એક ભવસાગર તરી બેઠો છે એ.

: હિમલ પંડ્યા