Tuesday, 16 July 2024

શ્વાસની આવ-જા બિનજરૂરી હતી
જ્યાં સુધી આપણી વચ્ચે દૂરી હતી.

કેટલી બેઉ પક્ષે સબૂરી હતી!
આમ જુઓ તો ખાસ્સી જરૂરી હતી.

માનતાં'તાં બધાં - સાવ પૂરી હતી
વારતા છેક સુધી અધૂરી હતી. 

દોષ દેવો ય કોને ઉઝરડાતણો?
આપણે પીઠ જાતે વલૂરી હતી

દાદ સમજીને જેને ફુલાતાં રહ્યા,
વાહવાહી નહીં, જીહજૂરી હતી.

શેરિયત જો ન લાવી શકે તો સમજ!
તેં લખી એ ગઝલ બસ મજૂરી હતી. 

: હિમલ પંડ્યા

 જામ છે સામે છલોછલ, પી જતાં ના આવડ્યું!

એમનાં થઈને ય એનાં થઈ જતાં ના આવડ્યું.

એક એવી આગ દિલમાં એ રીતે ફેલાઈ ગઈ,
ઠારતાં ના આવડ્યું, સળગી જતાં ના આવડ્યું.

અધવચાળે જે કોઈ અટકી ગયાં - સુખી થયાં,
ને તમોને ઓ ચરણ! થાકી જતાં ના આવડ્યું?!

હું પરાણે સામટી અવહેલના સહેતો રહ્યો,
દોસ્તની મહેફીલ હતી, ઊઠી જતાં ના આવડ્યું.

છેવટે તો આટલું તારણ અમે કાઢી શક્યા,
જીવતા તો આવડ્યું, જીરવી જતાં ના આવડ્યું.

મોત પણ છેટું રહ્યું એ એક કારણથી જ 'પાર્થ'!
બસ, સમયસર શ્વાસને છટકી જતાં ના આવડ્યું.

: હિમલ પંડ્યા

 હોય શ્રદ્ધા તો બીજું શું જોઈએ ?

દુઃખ વીતેલી ક્ષણનું શાને રોઈએ?

ક્યાંય ઈશ્વર શોધવાનો હોય નહીં,
આપણે જો આપણામાં હોઈએ.

ઠીક દેખાશે અરીસામાં બધું,
સ્હેજ હિંમત કર, તો ભીતર જોઈએ.

આંસુઓની જ્યાં વહે ભાગીરથી,
ત્યાં જરૂરી છે કે પાપો ધોઈએ.

શબ્દોનું સર્જન છે આ - સ્પર્ધા નથી,
પામવાનું શું અને શું ખોઈએ?

એટલી શ્રદ્ધાથી શ્વાસોને ગૂંથ્યા,
જેમ માળામાં ફૂલોને પ્રોઈએ.

સાચવી છે મેં તને જેવી રીતે,
જિંદગી! ક્યાં સાચવી છે કોઈએ ?

: હિમલ પંડ્યા 

 શક્ય છે આખરે એવું બને,

ધારણા ખોટી ઠરે એવું બને!

ભૂલવામાં જેમને સદીઓ વીતે,
એ જ પળમાં સાંભરે એવું બને!

આપણો સંબંધ જર્જર થઈ રહ્યો,
પોપડું એથી ખરે એવું બને!

રોજ ખુલાસો તમે કરતા રહો,
રોજ શંકા પાંગરે એવું બને !

'રામ' લખીએ, પણ ન શ્રધ્ધા હોય તો,
પથ્થરો ના પણ તરે એવું બને!

ભેદ ભીતરના બતાવે આઈનો,
જાતથી માણસ ડરે એવું બને!

શબ્દ આજે શાંત છો ને લાગતો,
એ અચાનક વિફરે એવું બને!

 : હિમલ પંડ્યા

 મૃગજળ વિશે પૂછો છો!

કે - છળ વિશે પૂછો છો?

ફૂલોને ભરબપોરે
ઝાકળ વિશે પૂછો છો!

જુગનૂના લ્યો જવાબો,
ઝળહળ વિશે પૂછો છો!

પૂછી લો મન-હૃદયને,
ચળવળ વિશે પૂછો છો!

આંખોમાં કંઈ ન જોયું?
ટળવળ વિશે પૂછો છો!

એનાં વગર જીવું છું,
અંજળ વિશે પૂછો છો?

: હિમલ પંડ્યા 

 અહીંની ઓફરોમાં એવું એક્સચેન્જ મળે!

તમે જરાક પ્રેમ આપો ને રિવેન્જ મળે.

તૂટીને ચાહવું, રિસાવું અને દૂર જવું,
તમારી લાગણીમાં કેટલી યે રેન્જ મળે!

ક્ષણો અપેક્ષા મુજબની કદી મળી છે ક્યાં?
હંમેશા એવું બને કે કશુંક સ્ટ્રેન્જ મળે!

અમે ક્યાં તારી કને કાંઈ બીજું માંગ્યું છે?
બદલ ને સ્હેજ આ દુનિયા! તને ય ચેન્જ મળે.

જિંદગી સાથેનો મુકાબલો નોકઆઉટ હો,
કદીક મોતને આવી કોઈ ચેલેન્જ મળે.

: હિમલ પંડ્યા

 બધા જેવા થવામાં

રહ્યા ના આપણામાં.

હતા જ્યારે નશામાં
હતા કેવા મજામાં!

દરદ આપી દીધું તેં
મિલાવીને દવામાં.

ઘણું તૂટી રહ્યું છે
તૂટેલું સાંધવામાં.

અહીં અવસરને લોકો
જુએ છે આપદામાં.

તને ટોપીનો ભય છે
ડરું છું ચાંદલામાં.

મળ્યું માણી શકો છો?
પડ્યાં છો માંગવામાં.

: હિમલ પંડ્યા