Tuesday 16 July 2024

શ્વાસની આવ-જા બિનજરૂરી હતી
જ્યાં સુધી આપણી વચ્ચે દૂરી હતી.

કેટલી બેઉ પક્ષે સબૂરી હતી!
આમ જુઓ તો ખાસ્સી જરૂરી હતી.

માનતાં'તાં બધાં - સાવ પૂરી હતી
વારતા છેક સુધી અધૂરી હતી. 

દોષ દેવો ય કોને ઉઝરડાતણો?
આપણે પીઠ જાતે વલૂરી હતી

દાદ સમજીને જેને ફુલાતાં રહ્યા,
વાહવાહી નહીં, જીહજૂરી હતી.

શેરિયત જો ન લાવી શકે તો સમજ!
તેં લખી એ ગઝલ બસ મજૂરી હતી. 

: હિમલ પંડ્યા

 જામ છે સામે છલોછલ, પી જતાં ના આવડ્યું!

એમનાં થઈને ય એનાં થઈ જતાં ના આવડ્યું.

એક એવી આગ દિલમાં એ રીતે ફેલાઈ ગઈ,
ઠારતાં ના આવડ્યું, સળગી જતાં ના આવડ્યું.

અધવચાળે જે કોઈ અટકી ગયાં - સુખી થયાં,
ને તમોને ઓ ચરણ! થાકી જતાં ના આવડ્યું?!

હું પરાણે સામટી અવહેલના સહેતો રહ્યો,
દોસ્તની મહેફીલ હતી, ઊઠી જતાં ના આવડ્યું.

છેવટે તો આટલું તારણ અમે કાઢી શક્યા,
જીવતા તો આવડ્યું, જીરવી જતાં ના આવડ્યું.

મોત પણ છેટું રહ્યું એ એક કારણથી જ 'પાર્થ'!
બસ, સમયસર શ્વાસને છટકી જતાં ના આવડ્યું.

: હિમલ પંડ્યા

 હોય શ્રદ્ધા તો બીજું શું જોઈએ ?

દુઃખ વીતેલી ક્ષણનું શાને રોઈએ?

ક્યાંય ઈશ્વર શોધવાનો હોય નહીં,
આપણે જો આપણામાં હોઈએ.

ઠીક દેખાશે અરીસામાં બધું,
સ્હેજ હિંમત કર, તો ભીતર જોઈએ.

આંસુઓની જ્યાં વહે ભાગીરથી,
ત્યાં જરૂરી છે કે પાપો ધોઈએ.

શબ્દોનું સર્જન છે આ - સ્પર્ધા નથી,
પામવાનું શું અને શું ખોઈએ?

એટલી શ્રદ્ધાથી શ્વાસોને ગૂંથ્યા,
જેમ માળામાં ફૂલોને પ્રોઈએ.

સાચવી છે મેં તને જેવી રીતે,
જિંદગી! ક્યાં સાચવી છે કોઈએ ?

: હિમલ પંડ્યા 

 શક્ય છે આખરે એવું બને,

ધારણા ખોટી ઠરે એવું બને!

ભૂલવામાં જેમને સદીઓ વીતે,
એ જ પળમાં સાંભરે એવું બને!

આપણો સંબંધ જર્જર થઈ રહ્યો,
પોપડું એથી ખરે એવું બને!

રોજ ખુલાસો તમે કરતા રહો,
રોજ શંકા પાંગરે એવું બને !

'રામ' લખીએ, પણ ન શ્રધ્ધા હોય તો,
પથ્થરો ના પણ તરે એવું બને!

ભેદ ભીતરના બતાવે આઈનો,
જાતથી માણસ ડરે એવું બને!

શબ્દ આજે શાંત છો ને લાગતો,
એ અચાનક વિફરે એવું બને!

 : હિમલ પંડ્યા

 મૃગજળ વિશે પૂછો છો!

કે - છળ વિશે પૂછો છો?

ફૂલોને ભરબપોરે
ઝાકળ વિશે પૂછો છો!

જુગનૂના લ્યો જવાબો,
ઝળહળ વિશે પૂછો છો!

પૂછી લો મન-હૃદયને,
ચળવળ વિશે પૂછો છો!

આંખોમાં કંઈ ન જોયું?
ટળવળ વિશે પૂછો છો!

એનાં વગર જીવું છું,
અંજળ વિશે પૂછો છો?

: હિમલ પંડ્યા 

 અહીંની ઓફરોમાં એવું એક્સચેન્જ મળે!

તમે જરાક પ્રેમ આપો ને રિવેન્જ મળે.

તૂટીને ચાહવું, રિસાવું અને દૂર જવું,
તમારી લાગણીમાં કેટલી યે રેન્જ મળે!

ક્ષણો અપેક્ષા મુજબની કદી મળી છે ક્યાં?
હંમેશા એવું બને કે કશુંક સ્ટ્રેન્જ મળે!

અમે ક્યાં તારી કને કાંઈ બીજું માંગ્યું છે?
બદલ ને સ્હેજ આ દુનિયા! તને ય ચેન્જ મળે.

જિંદગી સાથેનો મુકાબલો નોકઆઉટ હો,
કદીક મોતને આવી કોઈ ચેલેન્જ મળે.

: હિમલ પંડ્યા

 બધા જેવા થવામાં

રહ્યા ના આપણામાં.

હતા જ્યારે નશામાં
હતા કેવા મજામાં!

દરદ આપી દીધું તેં
મિલાવીને દવામાં.

ઘણું તૂટી રહ્યું છે
તૂટેલું સાંધવામાં.

અહીં અવસરને લોકો
જુએ છે આપદામાં.

તને ટોપીનો ભય છે
ડરું છું ચાંદલામાં.

મળ્યું માણી શકો છો?
પડ્યાં છો માંગવામાં.

: હિમલ પંડ્યા 

 ક્યારેક બસ અકારણ ઘેરી વળે ઉદાસી,

આથમતી જાય ખુશીઓ, ને ઝળહળે ઉદાસી.

ઘટનાની છીપને હું ખોલું જરા જતનથી,
ઉછળી પડું છું સાચ્ચે, જો નીકળે ઉદાસી.

જોઈ ઉદાસ ચહેરો, પોતે ઉદાસ થ્યા છો?
તો શક્ય છે પરસ્પરની ઓગળે ઉદાસી.

કેવળ કલમથી આવી કવિતા નથી નીકળતી!
હો સદનસીબ, ત્યારે તમને મળે ઉદાસી.

અમને મળી છે એવી ના કોઈને મળે, પણ-
અમને ફળી છે એમ જ સહુને ફળે ઉદાસી.

: હિમલ પંડ્યા 

 જીવવાનું ઠીક લાગે

મોતની છો બીક લાગે

એ ગઝલમાં દોષ જુએ
અમને માથાઝીંક લાગે

આ વ્યસનથી કેમ છૂટું?
તું જુએ ને કીક લાગે

સ્વપ્નમાં તો હાથ તારો
કેટલો નજદીક લાગે!

તરવરે તારો જ ચહેરો
ધ્યાન જો લગરીક લાગે

મન-હૃદય છે સામસામે
આ દશા સિરક્રીક લાગે

રોગ છે, ઈલાજ પણ છે
પ્રેમ નક્કી ગ્રીક લાગે

: હિમલ પંડ્યા 

 આવડે એવું લખું છું,

ક્યાં ખબર? કેવું લખું છું!

પાંપણે નેવું લખું છું,
આંખમાં વ્હેવું લખું છું. 

એમણે કીધું 'લખો', તો -
દિલ નથી દેવું - લખું છું

બસ તને સ્પર્શે, ઘણું છે
જે લખું, જેવું લખું છું 

ચિઠ્ઠીમાં બીજું લખું શું?
એક પારેવું લખું છું.

: હિમલ પંડ્યા

 હવે ભાગ્યે જ એવો જણ મળે છે,

કે જેની આંખમાં દર્પણ મળે છે.

ભલે ધાર્યું ન હો, તો પણ મળે છે,
તમે આપો સરોવર, રણ મળે છે.

કીડીને આમ જુઓ, મણ મળે છે,
પૂછો હાથીને - એને કણ મળે છે?

તને જે હાથ લંબાયેલો લાગે,
મને એ હાથમાં ગોફણ મળે છે.

જીવણ! ઊભી બજારે માર આંટો,
કશે ખોયું, કશે ખાંપણ મળે છે.

વિકલ્પોથી ભરેલી છે આ દુનિયા,
વિકલ્પોના વિકલ્પો પણ મળે છે.

: હિમલ પંડ્યા

 આ શ્વાસના જુગાડ ઉપર શેર મેં લખ્યો,

એણે કરેલા પાડ ઉપર શેર મેં લખ્યો.

એકાદ મૂંગી ચીસ પણ ના સંભવી શકે,
એવે સમે ય ત્રાડ ઉપર શેર મેં લખ્યો.

હાંસી ઊડાવનાર તળેટીમાં એ રહ્યાં!
ટોચે જઈ પહાડ ઉપર શેર મેં લખ્યો.

જાણું છું તારી દાદ નહીં મેળવી શકે,
સંબંધમાં તિરાડ ઉપર શેર મેં લખ્યો.

કેવળ ગઝલ ઈલાજ હતી મારાં દર્દનો,
લ્યો, પારખીને નાડ ઉપર શેર મેં લખ્યો.

: હિમલ પંડ્યા 

 આંખમાં દેખાય જળ?

એ જ છે જીવવાનું બળ.

બંધ દોલત દેહની,
શ્વાસની આપી છે કળ.

સ્પર્શથી જે સળવળી!
એ હથેળીમાં છે સળ.

કેટલું માંગી રહી!
ઊંચે ઊડવાની આ ચળ.

જાતની કર જાતરા
જાતથી પાછો ય વળ.

: હિમલ પંડ્યા

 બગાસું ખાઉં ને આવે પતાસું

જીવન વીતી રહ્યું છે એમ ધાંસુ

ઉપાધિ નીકળે નવસાર જેવી
કલાઈ થ્યા પછી ચમકે છે કાંસું

પીડાની ત્યાં પરાકાષ્ઠા જુદી છે
નથી જે આંખમાં તરવરતું આંસુ

હૃદયને એક વેળા મેં પૂછેલું
નથી એ આવવાનાં? દ્વાર વાસું?

ઉદાસી એ વિચારે અટકી ઊભી
તને છોડી દઉં તો કોને ફાંસું?

હજુ ખાસ્સું નીકળવાનું છે આગળ
મને તો થાય છે - અહીંથી હું નાસું.

: હિમલ પંડ્યા 

 ટેરવે આ શેના લવકારા હશે!

કાગળે કાં ઊતરી આવ્યા હશે?

છે ઈશારા આંખમાં ભરપૂર, તો
હોઠ ઉપર શાને આ તાળાં હશે?

પીઠ પાછળ વાર કરતા આવડ્યું!
એક કારણથી જ એ ફાવ્યા હશે;

એમને લાગે છે, એ છોડી ગયાં!
પણ મને લાગે છે, ઉચાળા હશે;

આપણી પીડા ય ઝળહળતી રહી!
આ કવિતાના જ ચમકારા હશે.

: હિમલ પંડ્યા

 

દૃષ્ટિ જ્યારે આંખ પર મંડાય છે

ડાળ, ચકલી, વૃક્ષ ક્યાં દેખાય છે?

કોઇએ કહેવું પડે - અન્યાય છે
એક અંગૂઠાનો તો જીવ જાય છે

વાદળોની ઓથ મેં ન્હોતી લીધી
સૂર્ય કહીને આટલું, સંતાય છે

ધર્મના પક્ષે ય ધર્મ હોય નહિ?
ખૂંપતા પૈડાંને પ્રશ્નો થાય છે.

જીતને વહેંચાય સરખા ભાગમાં?
દ્રૌપદીને કોઈથી પૂછાય છે?!

: હિમલ પંડ્યા 

 પછી હળવો જરી આ ભાર થાશે

અમારાથી અગર ઈકરાર થાશે

તમારા સ્પર્શની છે રાહ અમને
અમારો એ પછી ઉદ્ધાર થાશે

ભલે ને હણહણે ઈચ્છાના અશ્વો
સમય એનો ખરો અસવાર થાશે

કવચ-કુંડળ ઉતારી દઈ દીધાં છે
જીતી જાશું, હવે જો હાર થાશે

ભળ્યો છે શ્વાસમાં એ પ્રાણ થઈને
નીકળશે બ્હાર તો અંગાર થાશે

: હિમલ પંડ્યા

સાવ નોખું, સાવ તાજું આવશે
સ્વપ્ન તૂટ્યું છે તો પાછું આવશે

બેસી રહેવાથી બગાસું આવશે
એમ કંઈ થોડું પતાસું આવશે?

વ્યર્થ છે આ યત્ન, એને રોક મા
સ્હેજ પીડા છે, તો આંસુ આવશે

રાખ બસ એના ઉપર શ્રદ્ધા પૂરી
થોડું છીનવાશે, ને ઝાઝું આવશે

આંખ તારી જે કહે એ માનશું
હોઠ ઉપર તો બહાનું આવશે

જિંદગી વળગી છે ખુલ્લેઆમ, પણ
મોત પાછળથી લપાતું આવશે

: હિમલ પંડ્યા

 નીકળે કમાલ જેવા એકાદ-બે સંબંધો

ઈશ્વરની ચાલ જેવા એકાદ-બે સંબંધો.

સહેલા કરી દે ખમવા સહુ વાર આ સમયના
થઈ જાય ઢાલ જેવા એકાદ-બે સંબંધો.

અજવાળું પાથરીને મારગ સતત સૂઝાડે
હોયે મશાલ જેવા એકાદ-બે સંબંધો.

તૂટી ગયા પછી પણ ચુભ્યા કરે છે કાયમ
શેળાની ખાલ જેવા એકાદ-બે સંબંધો.

જો ખ્યાલ ના રહે તો લપસી જવું છે સંભવ
કેળાંની છાલ જેવા એકાદ-બે સંબંધો.

લૂછી બતાવે પળમાં પીડાની છાપ સઘળી
હો બસ રૂમાલ જેવા એકાદ-બે સંબંધો.

વર્ષો પછીય સ્મરણો રાખ્યાં છે સાવ તાજાં
જાણે કે કાલ જેવા એકાદ-બે સંબંધો.

: હિમલ પંડ્યા

 સમંદરના તળથીયે હેઠો ગયો છું

અને રાખમાંથીયે બેઠો થયો છું

દુઆ પ્રાર્થના બાધા-આખડીઓ વચ્ચે
હું કંઈ કેટલાંની જિદ્દમાં જડ્યો છું!

કસોટી કરી જીવસટોસટની એણે
હું અંતે તો એમાંય અવ્વલ ઠર્યો છું

રહ્યો થોડા દિવસનું આતિથ્ય માણી
પછી થાપ દઈ એને પાછો ફર્યો છું

ફરી યુદ્ધ કલ્યાણ સાબિત થયું "પાર્થ"!
જીત્યો એટલે, કેમકે હું લડ્યો છું

: હિમલ પંડ્યા 

 એવા તો ધારદાર બધા પથ્થરો હતા,

તું છોડ વાત યાર! બધા પથ્થરો હતા. 

હીરા તો ઓળખાયા વગર ત્યાં જ રહી પડ્યા!
આંખોને આંજનાર બધા પથ્થરો હતા.

હિમ્મત કરીને એક કૂંપળ નીકળી ખરી!
પણ ખેર, રાઝદાર બધા પથ્થરો હતા.

અંતર બતાવ્યું, ઠેસ દીધી, અવગણ્યા ય પણ
રસ્તો બતાવનાર બધા પથ્થરો હતા.

જોડેલા હાથ આંખમાં આજીજી લઈ ઊભા!
પરવા કરી લગાર? બધા પથ્થરો હતા.

: હિમલ પંડ્યા

 નાચી રહ્યાં છે સઘળાં બસ એક બીન ઉપર

દિવસો ટકી ગયા છે કેવળ યકીન ઉપર.

આપી રહ્યાં શિખામણ કે - સાચવીને ચાલો
રાખી નથી શક્યાં જે પગને જમીન ઉપર.

આ અવદશાનું કારણ અંતે તો એટલું કે-
રાખ્યા કર્યો ભરોસો કાયમ હસીન ઉપર.

થાબડશે એ ખભો? કે ખંજર હુલાવી દેશે?
આધાર છે બધોયે એનાં જનીન ઉપર.

તારી જ છે કૃપા કે જળને તું સ્થિર રાખે!
પગ ત્રાજવાં ઉપર છે, ને લક્ષ્ય મીન ઉપર 

: હિમલ પંડ્યા 

 એક સપનું આંખમાં ઉગાડતાં વર્ષો થયાં

ને પછી એને જ પાછું દાટતાં વર્ષો થયાં.

જે કશું સમજાયું એ સ્વીકારતાં વર્ષો થયાં
જે સ્વીકાર્યું એ બધું અપનાવતાં વર્ષો થયાં.

જિંદગીને શર્ત વિના ચાહવાની હોય છે
આટલી સમજણ ને ડહાપણ આવતાં વર્ષો થયાં.

આંસુઓ, અવહેલના, પીડા, ઉદાસી ને વ્યથા
એ જ રસ્તે એકધારું ચાલતાં વર્ષો થયાં.

એમણે પૂછ્યું, હું તારી જિંદગીમાં હોત તો?
કેમ કહેવું એમને? કે - ધારતાં વર્ષો થયાં.

માછલીની આંખ તો પળવારમાં વિંધી અમે
ત્રાજવે ઊભા રહીને તાકતાં વર્ષો થયાં.

: હિમલ પંડ્યા

 ફેંસલો આ વાતનો થાતો નથી,

તું નથી? કે માત્ર દેખાતો નથી?!

જિંદગીભર મેં ય લ્યો, પૂજ્યા કર્યો!
એક પત્થર જીવતો થાતો નથી.

બોજ આ હોવાપણાંનો લઈ ફરો
આપણાથી એય સચવાતો નથી.

લોહી ટપકે એમ ટપકે આંસુઓ,
દર્દ સરખું, રંગ છો રાતો નથી.

જે રીતે તું નીકળી ગઈ ને સખી!
એ રીતે તો જીવ પણ જાતો નથી.

: હિમલ પંડ્યા

 

તું મળે, જીદ્દ ફળે

લોક છો ને બળે


આ નજર ટળવળે
તું જુએ, કળ વળે

સાંજના સ્પર્શથી
સૂર્ય પણ ઓગળે

આજ સાગર સ્વયં
જઈ નદીને મળે

બોખલા સ્મિતમાં
બાળપણ સળવળે

જે ગુમાવ્યું અહીં,
એ જ પાછું મળે

શબ્દના કાગળે
રોજ દીવા બળે

આંખને ખોલતા
જિંદગી પ્રજ્વળે

આંખને બીડતા
જિંદગી ઝળહળે.

*: હિમલ પંડ્યા*