Friday 27 January 2017

ક્યાં જરુરી હોય છે કે ધારીએ જે, થાય ;
આપણે સ્વીકારવાનું, હોય એ - દેખાય ;

અર્થની ખોટી પળોજણમાં પડી શું પામવું?
તારવી લેવાનું જાતે જેટલું સમજાય ;

આપણું જે હોય છે એ ક્યાંય પણ જાતું નથી,
આપણું હોતું નથી, જે હાથમાંથી જાય ;

સંબંધના પહેરણમહીં એકાદ ખાંપો અવગણો,
જુઓ, સાંધી લીધું મેં જેટલું સંધાય ;

વહી જવા દેવાનું, જેને રોકવું મુશ્કેલ છે,
સાચવી લેવાનું ભીતર, જે કશું સચવાય એ;

ખૂબ સ્હેલી રીતથી મેં કહી દીધું, કહેવું હતું,
મૂક માથાકૂટ, ગઝલ આ થાય કે ના થાય .

:
હિમલ પંડ્યા


No comments:

Post a Comment