Friday 27 January 2017

શ્વાસો ટકાવવાના ધખારાથી દૂર ક્યાંક!
નીકળી જવું છે મારે મારાથી દૂર ક્યાંક!

કોઈનું કંઈ નથી તો હશે આપણું શું?
ચાલો ને જઈએ મારા-તમારાથી દૂર ક્યાંક!

ભાંગી પડાતું હોય છે એની વિદાયથી!
લઈ જા મને દૂર જનારાથી દૂર ક્યાંક!

લંબાવશે હાથ, ને મોં ફેરવી લેશે;
રહેવું સદાય એવા સહારાથી દૂર ક્યાંક!

અફળાયો ખૂબ, પણ પછી થાકીને આખરે;
દરિયો જતો રહ્યો છે કિનારાથી દૂર ક્યાંક!

મંઝિલ મજાની કોક મારી વાટમાં હશે!
પહોંચી જવાનું "પાર્થ" ઉતારાથી દૂર ક્યાંક!

:
હિમલ પંડ્યા "પાર્થ"

No comments:

Post a Comment