Friday 27 January 2017

કહો ને ક્યાં સુધી જીંદગી પર કાટ હોવાનો?
કદી એવો દિવસ પણ આવશે, ચળકાટ હોવાનો!

હંમેશા કરવું જે સુઝાડે માંહ્યલો તમને,
મૂકો દરકાર એની, બ્હાર તો ઘોંઘાટ હોવાનો!

લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું;
હશે મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો!

કરું છું બંધ મુઠ્ઠી ને સરકતો જાય છે તો યે,
સમયનો વેગ જ્યારે પણ જુઓ, પૂરપાટ હોવાનો!

ગણીને ચૂકવ્યા એકેક શ્વાસો, તો જીવાયું છે,
ખબર ન્હોતી કે સોદો મોંઘોદાટ હોવાનો!

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment