Friday 27 January 2017

સૂરજ સામે શ્વાસ ધરી ઓગળતા રે'તા!
સાંજ ઢળે તો સાંજની સાથે ઢળતા રે'તા!

દિવસ ચાહે એમ નચાવે આખો દિવસ;
રાત પછી જે સંભળાવે, સાંભળતા રે'તા!

સપના જેવું ઝળહળ ઝળહળ જોવા મળતું;
ઈચ્છા જેવું રોજ પછી ટળવળતા રે'તા!

ઈશ્વર માની આજીજી કરતી વેળા પણ;
પથ્થર ધારી ફરિયાદોને ગળતા રે'તા!

જીવતરની આંખ્યું જુએ છે ઝાંખું ઝાંખું;
મોતના ગોખે ગોખે દીવા બળતા રે'તા!

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment