Sunday 19 November 2017

શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં?
એટલું ચાહું વીતે એ અન્યના ઉત્કર્ષમાં;

પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં;

એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ- 
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં!

છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં;

જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું!
એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં;

કૈંક તારું, કૈંક મારું, પણ બધું એનું જ છે;
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં.

: હિમલ પંડ્યા

1 comment:

  1. કવિતા સરસ છે....આ કવિતા ના લેખક કોણ છે.... રોશનીબેન પ્રજાપતિ?

    ReplyDelete