Sunday 19 November 2017

કદીક સીધું, કદીક આડું
ચાલ્યા કરવાનું આ ગાડું;

કરમની ઘંટી દળતી રહેતી
થોડું જીણું, થોડું જાડું;

સપનાઓને રોકો ત્યાં તો
ઈચ્છાઓનું આવે ધાડું;

એનું હૈયું ખાલી કરીએ?
સાવ નકામું ભરવું ભાડું!

આંસુના તોરણ બાંધીને
આંખો પૂછે, સેલ્ફી પાડું?

ઘડીક અંદર, બ્હાર ઘડીમાં
શ્વાસના બન્ને હાથે લાડુ;

મંઝીલ છેલ્લી છે સામે, પણ
જીવન રોજે ઉતરે આડું.

: હિમલ પંડ્યા 

No comments:

Post a Comment