Monday 4 April 2016

કૈં અધૂરી વાત અંતે રહી જવાની હોય છે,
શક્યતાઓ સાત અંતે રહી જવાની હોય છે;

એક પંખેરું ઊડી જાશે અકળ આકાશમાં,
માટીની આ જાત અંતે રહી જવાની હોય છે;

જિંદગી ભરચક દિવસની જેમ જીવી જાવ પણ,
એક અટૂલી રાત અંતે રહી જવાની હોય છે;

રોજ અહીં કંઈ કેટલું આટોપવા મથ્યા કરો!
સામટી શરૂઆત અંતે રહી જવાની હોય છે;

કેટલા સાવધ રહો કે ભાગતા-બચતા ફરો,
એક-બે તો ઘાત અંતે રહી જવાની હોય છે;

અન્ય કાજે જેટલું જીવી શકો, જીવી જુઓ!
એ જ નોખી ભાત અંતે રહી જવાની હોય છે;

છોડ! દુનિયા છે, ઘણું કહેશે - ઘણું વિચારશે;
એ બધી પંચાત અંતે રહી જવાની હોય છે;

: હિમલ પંડ્યા "પાર્થ"

No comments:

Post a Comment