Tuesday 25 October 2016

આપવી જો હોય, કુરબાની અહમની આપીએ,
ચાલ, આ અળવિતરી ઈચ્છાની ગરદન કાપીએ!

એ રીતે પણ થઈ શકે સાચી ઊજવણી ઈદની,
એ જ મૂંગા જીવને હૈયાસરીસું ચાંપીએ.

કોઈ કત્લેઆમ લઈ જાતી નથી જન્નત સુધી,
શક્ય જ્યાં જ્યાં હોય ત્યાં થોડીક સમજણ સ્થાપીએ;

આપણે પોતે ખુદા, ખુદ આપણે ઈશ્વર અહીં,
પ્રેમ થઈને આજ ચારે કોર કેવળ વ્યાપીએ;

આખરે સઘળો વિષય શ્રધ્ધાતણો છે દોસ્ત આ!
નામ અલ્લાનું ય લઈએ, રામનું પણ જાપીએ;

આઈનો સામે ધરીને પૂછીએ તું કોણ છે?
જાતને એવી રીતે ચાલો ને ક્યારેક માપીએ.

: હિમલ પંડ્યા
 ૧૩-૯-૨૦૧૬, ઈદ-ઉલ-જુહા

No comments:

Post a Comment