Tuesday, 25 October 2016

ભીંતને ખખડાવીએ તો બારણું ખુલે ખરું?
આવરણ ઓગાળીએ તો બારણું ખુલે ખરું?

જ્યાં ઉદાસીનો રહે છે કાયમી વસવાટ ત્યાં,
એક સપનું વાવીએ તો બારણું ખુલે ખરું?

રીસમાં ને રીસમાંં વાસી દીધું છે કોઈએ,
પ્રેમથી સમજાવીએ તો બારણું ખૂલે ખરું?

ચાલ એ પણ જોઈ લઈએ બ્હાર ઊભા રહી અને-
ખૂબ બૂમો પાડીએ તો બારણું ખુલે ખરું?

'એમની આ ભૂલ છે ને એમને અફસોસ છે',
દાખલો લઈ આવીએ તો બારણું ખુલે ખરું?

ભીંતની બન્ને તરફ જો, શક્યતા શ્વાસો ભરે!
બે'ક આંસુ સારીએ તો બારણું ખુલે ખરું.

: હિમલ પંડ્યા
  ૧૬-૯-૨૦૧૬

No comments:

Post a Comment