આપ દેખાડો છો, પણ એ લાગણી હોતી નથી;
હક હંમેશા હોય છે, કંઈ માંગણી હોતી નથી;
મન ઉપર લીધેલી કોઈ વાતથી જન્મે છે એ,
આપણી પીડા ખરેખર આપણી હોતી નથી;
હું નમું, નમતો રહું સંબંધ જાળવવા જ સ્તો,
સ્હેજ પણ હસ્તી અમારી વામણી હોતી નથી;
લાખ ઈચ્છો ને છતાં ના કાંઈ જન્માવી શકો!
એક પણ ઈચ્છા કદી યે ગાભણી હોતી નથી;
જાતને ઘસતા રહી એની અણી કાઢયા કરો;
કોઈની સાથે અહીં સરખામણી હોતી નથી;
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment