પડી રહી આખરે એ સાવ મનમાં, કામ ના લાગી!
ઘણી વાતો અનુભવની કવનમાં કામ ના લાગી!
લીધી'તી એમ માનીને કે બસ, છાકો પડી જાશે;
ઘણી પરદેશની ચીજો વતનમાં કામ ના લાગી!
ચૂંટીને ફૂલ એણે કેશમાં એક ફૂલના ખોસ્યું;
લખેલી સૂચના સઘળી ચમનમાં, કામ ના લાગી!
દવા શોધી અમે વિશ્વાસનું વધશે વજન એવી,
પરાયાને પડી લાગુ, સ્વજનમાં કામ ના લાગી!
હું વણમાગ્યે બધાને વહેંચતો ફરતો હતો કિન્તુ,
મને મારી જ ફિલસૂફી જીવનમાં કામ ના લાગી!
કથા રાધાની લીધી ને વ્યથા મીરાં કને માંગી;
પ્રણયગીતોમાં ચાલી ગઈ, ભજનમાં કામ ના લાગી!
વખત આવ્યે વખત આવી ગયો લ્યો, અલવિદા ત્યારે!
અરજ કોઈ ન આજીજી પતનમાં કામ ના લાગી!
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment