Tuesday 25 October 2016

તમે પાયાના પથ્થર છો, તમે એ જાણતા ન્હોતા?!
દટાવાના જ અંદર છો, તમે એ જાણતા ન્હોતા?! 

હતો ત્યારે હતો પારસમણિ શો સ્પર્શ, પણ અંતે;
થવાના સાવ પડતર છો, તમે એ જાણતા ન્હોતા?!

લ્યો આવ્યો, ઉજવાયો ધૂમથી, પાછળથી વિસરાયો!
તમે એવા જ અવસર છો, તમે એ જાણતા ન્હોતા?!

હશે, પીધા હશે કૈ ઝેર બીજાના ભલા કાજે,
થવા નીકળેલા શંકર છો, તમે એ જાણતા ન્હોતા?!

લઈ નીકળી પડ્યા'તા ત્રાજવું ને તોળવા બેઠાં!
તમે પોતે ક્યાં ઈશ્વર છો? તમે એ જાણતા ન્હોતા?!

નવાં ચાળે ચડ્યા શાને? શબદનો સાથ છોડીને;
તમે એનાથી પગભર છો, તમે એ જાણતા ન્હોતા?!

: હિમલ પંડ્યા 
૨૨-૧૦-૨૦૧૬

No comments:

Post a Comment