Tuesday 25 October 2016

છું નજર સામે છતાં ગુમનામ છું, એ છે ખબર?
હું તમે ભૂલી ગયા એ નામ છું, એ છે ખબર?

હું અવિરત છું સફરમાં, ને વળી વિશ્રામ છું;
હું જ અંતે આખરી મુકામ છું, એ છે ખબર?

જીંદગી, તું પણ લીધેલી વાતને મૂકતી નથી;
કેટલો તારે લીધે બદનામ છું, એ છે ખબર?

જીવ! ક્યાં ભટક્યા કરે છે પત્થરોને પૂજતો?!
ભીતરે જુએ તો ચારે ધામ છું, એ છે ખબર?

શ્વાસ મારાં! જે ઘડી થાકો, અહીં બેસી જજો!
હું તમોને જોઈતો આરામ છું, એ છે ખબર? 

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment