Saturday 10 September 2016

સપના ખોટાં શણગારીને શું કરવાનું?
કેડી નોખી કંડારીને શું કરવાનું?

બે પળ મોજમાં વીતે છે, વીતી જાવા દયો!
એ ય વિચારો, વિચારીને શું કરવાનું?

આગ અધૂરી ઈચ્છાઓની સળગી ભીતર;
ઠારું, પણ એને ઠારીને શું કરવાનું?

હાથમાં સહુથી નબળાં પાના આવ્યા છે તો,
બીજાની બાજી ધારીને શું કરવાનું?

જીત્યા તો પાછું પહેલાં જેવું જીવવાનું!
હારી જઈએ, તો હારીને શું કરવાનું?

જીવન ઝંઝટ લાગે કે લાગે ઝંઝાવાત!
"પાર્થ" કહો કે પરવારીને શું કરવાનું?

: હિમલ પંડ્યા
 ૩૦-૭-૨૦૧૬

No comments:

Post a Comment