Saturday 10 September 2016

આંખ સૂકાતી રહી કે હું? ખબર પડતી નથી,*
આખરે આ થઈ રહ્યું છે શું? ખબર પડતી નથી;

શક્યતાનો એક દરિયો ને સમયની આંધીઓ!
કઈ રીતે આખી સફર ખેડું? ખબર પડતી નથી;

એક સપનું રાતમાં આવી અને સરકી ગયું!
તો પછી સામે હતું એ શું? ખબર પડતી નથી;

પીઠ પરથી રેત ખંખેરી નથી ખિસકોલીએ,
તો ય બંધાઈ ગયો સેતુ! ખબર પડતી નથી;

હાથ કોઈ ઈશ્વરી નક્કી હશે એમાં કશે,
કોણ જાણે ક્યો હશે હેતુ? ખબર પડતી નથી;

શબ્દ આ લઈને ગઝલનો દેહ લ્યો, આવી ચડ્યો!
પગ પખાળું? લાપસી મેલું? ખબર પડતી નથી.

: હિમલ પંડ્યા

* તરહી મિસરો : કવિ મનોજ ખંડેરિયા

No comments:

Post a Comment