Saturday 10 September 2016

એટલે પડતી મૂકી મેં વાતને;
કેટલો વાગોળવો આઘાતને?!

વાંક દુનિયાનો ય કંઈ ઓછો નથી;
ક્યાં સુધી બસ દોષ દેવો જાતને?

કેશ ખુલ્લાં, મદભરી કેફી નજર;
ટાળતો આવ્યો છું આવી ઘાતને!

અશ્રુ, પીડા ને સતત અવહેલના;
સાચવું ક્યાં આ બધી સોગાતને?

દર્દ છે, ઉમ્મીદ છે ને જામ છે;
માણવાની હોય આવી રાતને!

આવકારો આવડતને આપીએ;
માપવા ના બેસવું ઔકાતને!

આ હવા પણ એક દિ' નીકળી જશે!
અંત નક્કી હોય છે શરુઆતને.

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment