Thursday 19 April 2018

બહુ બહુ તો મારી જાતને અળગી કરી શકું!
*મારું ગજું નથી કે તને છેતરી શકું!*

આંસુ થવાનું એટલે મંજૂર છે મને;
હું તારી આંખમાં જરાક તરવરી શકું!

રસ્તો હૃદય સુધીનો તું જો લઈ શકે અગર,
હું પાંપણોને છેક સુધી પાથરી શકું!

તારો ન હોઉં, ને છતાં તારામાં હોઉં પણ!
એવો ય ચીલો કો’ક દિવસ ચાતરી શકું!

દોલત મળી છે શ્વાસની બેમાપ, બેહિસાબ!
મરજી મુજબ ન એને કશે વાપરી શકું!

ઊકલી શકું છું આજ, ઊકેલી જ લ્યો મને!
હું જીર્ણ થઈ શકું અને શાયદ જરી શકું!

મારો વિહાર તો અહીં રહેશે યુગો સુધી,
આખર કવિનો શબ્દ છું, થોડો મરી શકું?

: હિમલ પંડ્યા 
23-12-2017

(*તરહી મિસરો : સ્વ. કૈલાસ પંડિત)

No comments:

Post a Comment