Thursday 19 April 2018

શાને રેવું અવઢવ જેવું?
માણી લેવું અવસર જેવું!

મનને વાંધો તો રહેવાનો,
થાવા દેવું ચળવળ જેવું!

યાદો એની મૂકી ગઈ’તી,
માથે દેવું પરવત જેવું!

ભૂલી ગ્યો ને?- પૂછ્યું એણે,
આ તે કેવું અચરજ જેવું!

ભળશું ત્યારે જોયું જાશે!
ત્યાં લગ વ્હેવું ખળખળ જેવું!

રોજે વ્હેરે જીવન થોડું,
શ્વાસનું કેવું? કરવત જેવું!

આથમવાની પરવા કોને?
જીવ્યા એવું, ઝળહળ જેવું!

: હિમલ પંડ્યા 

No comments:

Post a Comment