Thursday 19 April 2018

અધખુલેલું બારણું જીવાડી દેતું હોય છે,
રાહ જોતું આંગણું જીવાડી દેતું હોય છે;

સાવ કંઈ અમથી નથી પૃથ્વીની આ વિશાળતા!*
ક્યાંક કોઈ આપણું જીવાડી દેતું હોય છે;

એમના હોઠો ઉપર આવી જતું ક્યારેક જે,
નામ એ હુલામણું જીવાડી દેતું હોય છે;

ઠોકરોથી, આફતોથી ત્રસ્ત હો એવી ક્ષણે,
માનું એ ઓવારણું જીવાડી દેતું હોય છે;

શ્વાસનું તો નામ છે, સહુને ખરેખર આમ તો-
એક બસ સંભારણું જીવાડી દેતું હોય છે;

આ વિચારો, શબ્દ, કાગળ ને રદીફ ને કાફિયા,
‘પાર્થ’ જુઓ તો! ઘણું જીવાડી દેતું હોય છે.

: હિમલ પંડ્યા ‘પાર્થ’

 *સ્વ. મરીઝસાહેબના સ્મરણ સાથે 

No comments:

Post a Comment