Thursday 19 April 2018

અંજામ એટલો જ કે જર્જર બની ગયો,
આ લાગણીનો મ્હેલ પણ ખંડર બની ગયો.
મોતી તો ખેર ના મળ્યા, આંસુ સરી પડ્યા!
ખુદ મરજીવો જ આજ સમંદર બની ગયો.
હમદર્દ થઈને લોક એ જીવનમહીં મળ્યા,
જેનો દિલાસો પીઠનું ખંજર બની ગયો.
સત્તાનો શોખ તું ય ધરાવે છે - જાણું છું,
વર્ચસ્વ રાખવું હતું, ઈશ્વર બની ગયો.
દુનિયાતણી કમાલ પણ કાબિલેદાદ છે,
ઝાકળનો માનવી હતો, પત્થર બની ગયો!
પીડા હૃદયની જે ઘડીએ હદ વળોટી ગઈ,
સમજુ હતો એ કેટલો! શાયર બની ગયો!
- હિમલ પંડયા

No comments:

Post a Comment