Thursday 19 April 2018

કો’ક દિ’ એવું ય થાતું હોય છે,
આંસુને પણ પી જવાતું હોય છે;

હાથમાં જે આવતું હોતું નથી,
હાથમાંથી એ ય જાતું હોય છે;

પિંજરે પૂરાઈ છે જેની વ્યથા!
એ ય ક્યાં મરજીથી ગાતું હોય છે?

એક સપનું છે હજી સિક-લીવ પર,
રાતભર એથી જગાતું હોય છે;

હાથ બે જોડી તમે માંગો અહીં,
ત્યાં સુધી ક્યાં સંભળાતું હોય છે?

આંખ એની વાંચતા જો આવડે!
મૌન પણ એનું કળાતું હોય છે;

આ ક્ષણો જે સાથમાં એના વીતે,
એ ક્ષણોમાં બસ, જીવાતું હોય છે;

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment