Thursday 19 April 2018

વારતાનો એ ય વારસ નીકળે,
આપણી અંદર સિસીફસ નીકળે.

ખંતથી જે ખેલમાં ઝંપલાવીએ,
એ ય અંતે એક સરકસ નીકળે.

એક નિયમ પાળવો સહુને ગમે,
કાઢવાનો, જેટલો કસ નીકળે.

કાંઈ મેં પૂછ્યું નથી એ બીકથી,
ક્યાંક એની દુ:ખતી નસ નીકળે!

જોજનોનું હોય અંતર, એ છતાં
જો ચીરું છાતી, તું ચોક્કસ નીકળે.

આ પીડાની નાભિનું નિશાન લ્યો!
એકને અટકાવતા દસ નીકળે.

થાય આપણને, દયા એ દાખવે,
રાહ એને હોય કે, ‘બસ’ નીકળે.

: હિમલ પંડ્યા 

(સિસીફસ– ગ્રીક માયથોલોજીનું  એક પાત્ર)

No comments:

Post a Comment